ગુજરાત વિધાનસભામાં અમુક સમાજના કલાકારોને મુલાકાત માટે બોલાવામાં આવતા ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મુદ્દે ઠાકોર સમાજનું અપમાન કરાયા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે આ અંગે વિક્રમ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલીક બાબતોનો ખુલાસો કર્યો હતો. રાજકીય માઈલેજ મેળવવા માટે આવું કરાયું હોવાનો આક્ષેપ થતા વિક્રમ ઠાકોરે કહ્યું કે, હું રાજકારણમાં આવવાનો નથી. મને અગાઉ ઓફર હતી, પરંતું મને રાજકારણમાં આવવું નથી.
ગાંધીનગરમાં વિધાનસભામાં અમુક સમાજના કલાકારોને વિઝીટ માટે બોલાવામાં આવતા વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે મીડિયા સમક્ષ આવીને વિક્રમ ઠાકોરે કહ્યું કે, દરેક સમાજના કલાકારોને બોલાવવામાં આવે, ઠાકોર અને ક્ષત્રીય સમાજમાં પણ સારા સારા કલાકારો છે. મને બહુ દુખ થયું છે ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી. હું ફિલ્મ કલાકાર છું, સાથે સાથે ગાયક કલાકાર પણ છું, અને ભજન પણ ગાઉં છું. સંતવાણી અને માતાજીના ગરબા પણ કરું છું.
રાજકારણમાં આવવા અંગે વિક્રમ ઠાકોરે કહ્યું કે, આ ખેસ ભાજપ કે કોંગ્રેસનો નથી, રામદેવ પીરનો ખેસ છે. હું કોઈ ભાજપ કે કોંગ્રેસ સાથે નથી. હું રાજકારણમાં આવવાનો નથી. નરેન્દ્ર મોદીએ ૨૦૦૭ માં મને બોલાવ્યા હતા અને ત્યારે પણ ઓફર આપી હતી. મુખ્યમંત્રીને ખબર જ નહીં હોઈ શું થઈ રહ્યું છે. પરંતું મારો સમાજ કહેશે તે પ્રકારે હું આગળ વધીશ. અલ્પેશ ઠાકોરે મને મુખ્યમંત્રી પાસે લઈ જવા માટેની વાત કરી છે. બીજા કલાકારોને પણ બોલાવવાની વાત કરી છે.
વિક્રમ ઠાકોર પોતાની નારાજી વ્યક્ત કરતા કહ્યું કે, મેં રાજકારણમાં જોડાવા માટે આ નથી કર્યું, માત્ર મારા સમાજના લોકોને ન્યાય મળે તે માટે કર્યું છે. સમાજ જે નિર્ણય લેશે એમ કરીશ. સમાજ કહશે એમ આગળ તેઓ આગળ વધશે. અલ્પેશ ઠાકોર દ્વારા પણ સંપર્ક કરવામાં આવ્યો કે, મુખ્યમંત્રી સાથે મુલાકાતની વાત કરાઈ. ભાજપના આગેવાનોએ પણ સંપર્ક કર્યો. આગામી બે દિવસમાં સમાજના આગેવાનો સાથે બેઠક કરીને આખરી નિર્ણય કરશે. ત્યારે સમગ્ર મુદ્દે વિક્રમ ઠાકોરે એક જ વાત કરી કે, ઠાકોર સમાજના કલાકારોને ન ભૂલવા જોઈએ.
ગુજરાતના લોક કલાકારો વિધાનસભામાં ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે છે અને લોકોના સવાલો ધારાસભ્ય કેવી રીતે ઉઠાવે છે તે જાવા માટે પહોંચ્યા હતા. જ્યાં કલાકારોનું શંકર ચૌધરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના લોક કલાકારોમાં કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર, કિંજલ દવે,ગીતા રબારી,રાજભા ગઢવી, સહિતના હાજર રહ્યાં હતા. જાકે, વિક્રમ ઠાકોર નારાજ થયા હતા. વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે દરેક સમાજના કલાકારોને બોલાવવામાં આવ્યા, પણ મારે સરકારનું કહેવું છે કે ઠાકોર અને ક્ષત્રીયય સમાજમાં પણ સારા સારા કલાકારો છે. આજે મને બહુ દુખ થયું છે. ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી. ઠાકોર સમાજના નેતાઓએ વિરોધ કરવો જાઈએ, રજૂઆત કરવી જોઈએ. ઠાકોર સમાજના કલાકારોનો સમ્માન નાં કર્યું એ મને ખોટું લાગ્યું છે. આજે હું સમાજના કલાકારોની વાત કરવા માટે આવ્યો છું.