રાજુલા તાલુકાના વિક્ટર પાસે મહી પરિએજની પાઇપલાઇન તોડી મીઠા ઉદ્યોગ અને ઝીંગાફાર્મ માટે પાણીની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. વિક્ટરથી ચાંચબંદર ગામ સુધી મહી પરિએજનું પાણી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારે અમુક લોકો દ્વારા આ પાઇપલાઇનમાં ભંગાણ કરવામાં આવ્યું છે. અહીં જ નજીકમાં એક તળાવ બનાવવામાં આવ્યું છે. પાઇપલાઇનના ભંગાણમાંથી આ તળાવમાં પાણી એકત્રિત થાય છે અને ત્યાંથી ધંધાર્થે પાણી લઇ જવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંચબંદર ગામમાં લોકોને પીવાના પાણીની મોકાણ છે ત્યારે આ કારસો સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પાઇપલાઇનમાં ઘણા લાંબા સમયથી ભંગાણ હોવા છતાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું નથી. ત્યારે પાણી પુરવઠા બોર્ડ પોતાની આળસ ખંખેરી આવા ઉદ્યોગકારો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.