કેટરીના કૈફ અને વિકી કૌશલ બોલિવુડ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર કપલ્સમાંથી એક છે. ડિસેમ્બર, ૨૦૨૧માં રાજસ્થાનના મહેલમાં શાહી અંદાજમાં લગ્ન કરીને કેટરીના અને વિકીએ તેમના ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. લગ્ન બાદ તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજો સાથેની તસવીર શેર કરતા રહે છે. હાલમાં જ બંને એકબીજો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે મિનિ વેકેશન પર ગયા હતા, ત્યાંથી પણ તેમણે સુંદર તસવીરો શેર કરી હતી. સની કૌશલે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ભાઈ વિકી કૌશલ અને ભાભી કેટરીના કૈફ વિશે વાત કરી હતી. આ સિવાય તે તેના ભાઈને કેટલો મિસ કરે છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. સની કૌશલ જ્યારે વિકી અને કેટરીનાને મળે ત્યારે તેમની વચ્ચે કેવા પ્રકારની વાતચીત થાય છે તે વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘અમારી વચ્ચે કોઈ સ્પેશિયલ મુદ્દા પર વાત થતી નથી. દિવસના અંતે જ્યારે તમે સાથે બેસો છો, ત્યારે સામાન્ય લોકો વચ્ચે થતી વાતચીત અમારી વચ્ચે થાય છે. વાતચીત સામાન્ય હોય છે, જેમ કે રોજિંદા જીવન વિશે. તેમા કંઈ ખાસ હોતું નથી’. લગ્ન પહેલા કૌશલ પરિવારના ચારેય સભ્યો એક જ ઘરમાં રહેતા હતા. જો કે, લગ્ન બાદ વિકી કૌશલ અને કેટરીના કૈફ નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. ત્યારે સની કૌશલે તે તેના ભાઈને મિસ કરતો હોવાનો ખુલાસો કર્યો હતો. જો કે, તેણે કહ્યું હતું કે, ‘આમ તો તે શિફ્ટ થયો હોય તેમ લાગતું નથી કારણ કે અમે સંપર્કમાં રહીએ છીએ’. આ સિવાય અલગ રહેવા ગયા બાદ વિકી કૌશલ અને તેની વચ્ચે કંઈ ન બદલાયું હોવાની પણ તેણે સ્પષ્ટતા કરી હતી. અગાઉ વાતચીત કરતાં સની કૌશલે ભાભી કેટરીના કૈફના વખાણ કર્યાં હતા અને કહ્યું હતું કે, ‘તે સારી અને પોઝિટિવ વ્યક્તિ છે. તે પરિવારમાં પોઝિટિવ એનર્જી લઈને આવી છે. પરિવારમાં નવા સભ્યનું આગમન થવું તે સારી લાગણી છે. તે ડાઉન ટુ અર્થ છે. હું જ્યારે તેને નહોતો ઓળખતો ત્યારે થતું હતું કે, અરે તે ‘કેટરીના કૈફ’ છે. પરંતુ દિવસના અંતે તો તે પણ વ્યક્તિ જ છે’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સની કૌશલ ખૂબ જલ્દી ફિલ્મ ‘હુરદંગ’માં જોવા મળવાનો છે. જેમાં તેની ઓપોઝિટમાં નુસરત ભરુચા છે.