બોલિવુડ એક્ટર વિકી કૌશલની લોકપ્રિયતા દેશ-વિદેશ સુધી પ્રસરેલી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો આ વાતની સાબિતી આપે છે. વિકી કૌશલની એક ફીમેલ ફેનને જ્યારે જોણ થઈ કે તેના લગ્ન છે તે જ હોટેલમાં વિકી કૌશલ ઉતરેલો છે ત્યારે તે તેના હોટેલ રૂમની બહાર પહોંચી ગઈ હતી. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, દુલ્હન અને તેની બહેનપણીઓ વિકી કૌશલની ટીમ સાથે વાત કરી રહી છે. દુલ્હને વિકીની ટીમને વિનંતી કરી કે એકવાર તેને મળવા દે. તેણે તો એટલે સુધી કહી દીધું કે વિકીને મળવા માટે તે પોતાના થનારા પતિને પણ રાહ જોવડાવી રહી છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં પ્રેરણા નેગી કહે છે, “નીચે મારો વરરાજો મારી રાહ જુએ છે પરંતુ જ્યાં સુધી મને
વિકી સાથે ફોટો નહીં પડાવા દો ત્યાં સુધી અહીંથી નહીં જઉં. જોકે, આ યુવતી લગ્નના દિવસે તો વિકીને ના મળી શકી પરંતુ ભવિષ્યમાં મળશે તેવી તેને આશા છે. આ વિડીયો એપ્રિલ મહિનાનો છે. એ વખતે વિકી મસૂરીમાં તૃપ્તિ દીમરી અને એમી વિર્ક સાથે આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. વિકીની ફેનનો આ વિડીયો જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ક્રેઝી ફેન ગણાવી રહ્યા છે. હાલ વિકી કૌશલ મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર’ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં વિકી સાથે સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ પણ છે. આ સિવાય વિકી લક્ષ્મણ ઉનડકતની ફિલ્મમાં સારા અલી ખાન સાથે જોવા મળશે. ઉપરાંત શશાંક ખૈતાનની ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’માં કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર સાથે દેખાશે.