સુપ્રસિધ્ધ યાત્રાધામ તુલસીશ્યામ ખાતે ત્રણ દિવસ પહેલા પંચમહાલ તાલુકાની એક પ્રવાસી ટુરમાં પરિવાર સાથે આવેલ વૃદ્ધા રાત્રિ રોકાણ દરમિયાન અચાનક નિકળી જતાં ગાઢ જંગલોમાં ગુમ થઈ ગયેલ. જે ૩ દિવસ બાદ ગીર જંગલમાં આવેલ રાવલ ડેમ નજીકથી ભૂખ્યા તરસ્યા પેટે દિવસો વિતાવ્યા બાદ ૯ ઓક્ટોબરના વહેલી સવારે જશાધાર વન વિભાગે શોધીને પરિવાર સાથે તેમનું મિલન કરાવ્યું હતું. પંચમહાલ જિલ્લામાંથી ૫૦ જેટલા શ્રદ્ધાળુ ધાર્મિક પ્રવાસન ટુરમાં આવેલ. જેમાં માયલાના મુવાડાના ૭૫ વર્ષીય વૃદ્ધા સોમીબેન ભુરાભાઈ મછાર પણ તેમના પરિવાર સાથે આવેલ હતા. રાત્રી રોકાણ તુલસીશ્યામ મંદિરે કરેલ હોવાથી રાત્રીના સમયે સોમીબેન કોઈને જાણ કર્યા વગર મંદિરેથી નીકળી ગયા હતાં અને જંગલ તરફ ચાલ્યા ગયા હોવાનું અનુમાન તેમની સાથે આવેલ લોકોએ લગાવ્યું હતું. તેની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરતાં જોવા નહીં મળતાં આ અંગેની જાણ જસાધાર વનવિભાગના આર.એફ.ઓ એલ.બી.ભરવાડને જાણ કરતા ડી.સી.એફ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક વન વિભાગની ટીમો શોધખોળ માટે ગોઠવી હતી. અંતે ૮ ઓક્ટોબરનાં સવારે રાવલ ડેમ નજીક સોમીબેન સલામત મળી આવતા વન વિભાગ અને પરિવારે પણ હાશકારો અનુભવ્યો હતો.