આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરતાં વિકસીત ગુજરાતમાં શિશુ મૃત્યુદર વધુ છે. રાજ્યમાં સરકારી યોજનાઓના માધ્યમથી બાળમૃત્યુ દર ઘટાડવા માટે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યુ છે તેમ છતાંય ચોક્કસ પરિણામ મળી શકયું નથી. સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમના રિપોર્ટમાં એવો ખુલાસો કે, છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં ૭૦ હજાર નવજાત શિશુઓ મોતને ભેટ્યાં છે. આંકડાઓ પરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે, રાજ્યમાં દર મહિને સરેરાશ એકાદ હજાર શિશુઓના મોત થઈ રહ્યાં છે.
શિશુ મૃત્યુ અટકાવવા માટે મમતા અભિયાન, બાળ સખા યોજના, કુપોષણમુક્ત ગુજરાત અભિયાન, જનની સુરક્ષા અભિયાન સહિત અન્ય સરકારી યોજનાઓ અમલમાં છે. લાખો કરોડોનો ખર્ચ કરી સગર્ભા માતાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે તેમ છતાંય નવજાત શિશુઓનો મૃત્યુદર યથાવત રહ્યો છે.
સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા જાહેર કરાયલાં વર્ષ ૨૦૨૧ના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં ૧૧,૮૧૫ શિશુઓના મૃત્યુ થયા હતાં. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૬૦૮ બાળના મોત થયા હતાં. આ ઉપરાંત સુરતમાં ૧૩૩૬, રાજકોટમાં ૧૧૮૫ અને વડોદરામાં ૧૦૭૩ બાળમૃત્યુ નોંધાયા છે. જા કે, શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં બાળ મૃત્યુદર ઓછો છે જેમ કે, મહિસાગર જિલ્લામાં ૧૯ અને પાટણમાં ૩૯ શિશુનો મોત થયા હતાં.
આધુનિક તબીબી સુવિધા ઉપરાંત સરકારી યોજનાનો અસરકારક અમલનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પ્રસુતાઓની સંભાળ, માતાનું સ્વાસ્થ્ય, રસીકરણ સહિત અન્ય બાબતોએ કાળજી લેવામાં આવી છે તેમ છતાંય ગુજરાતમાં દર મહિને સરેરાશ એક હજાર શિશુ મોતને ભેટી રહ્યાં છે. ચોંકાવનારી વાત તો એકે, નવજાત શિશુઓ જન્મ પછી એક વર્ષ પણ જીવિત રહેતાં નથી. ઘણાં શિશુઓ તો જન્મ પછી હોસ્પિટલમાં કાયમ માટે આંખો મીંચી લે છે. આમ નવજાત શિશુઓના મૃત્યુ દર ઘટાવવામાં સરકાર અસરકારક પરિણામ લાવી શકી નથી.
સીઆરએસના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ૭૦ વર્ષથી વધુ વયના લોકોનું મૃત્યુનું પ્રમાણ વધુ રહ્યુ છે. વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં ૬૫થી ૬૯ વર્ષના વયના ૮૨.૨૮૧ લોકોના મોત નોંધાયા છે. જ્યારે ૭૦થી વધુ વયના ૨,૮૨,૬૫૩ વૃદ્ધોના મોત થયાં હતાં. અમદાવાદમાં જ ૯૬,૯૨૦ વૃદ્ધોના મૃત્યુ થયા હતાં. શહેરની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં વૃદ્ધોનું મૃત્યુ પ્રમાણ વધુ છે. વર્ષ ૨૦૨૧માં જ ગ્રામ્ય વિસ્તારમાં ૪૧૮૮૦ અને શહેરોમાં ૪૦,૪૦૧ વૃદ્ધોના મોત નોંધાયા હતાં.