વીંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં આયોજન મંડળની વિવિધ જોગવાઈ અનુસાર કુલ ૧૨૭.૫૦ લાખ રૂપિયાના સી.સી.રોડ, પીવાના પાણી, ગટર, જાહેર આરોગ્યના કામો, આંગણવાડી ઉપરાંત વિવિધ પાયાની સવલતોના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ૧૫% વિવેકાધીન જોગવાઈ (જનરલ)હેઠળ ૧૦૩.૫૦ લાખ, ૧૫% વિવેકાધીન જોગવાઈ અનુજાતી અંતર્ગત ૭ લાખ, ૫% પ્રોત્સાહક (લોકફાળા) સાથે ૨.૫૦ લાખ, ખાસ પછાત વિસ્તાર પાંચાળ અંતર્ગત ૧૨ લાખ અને બક્ષીપંચ જોગવાઈના અનુસાર ૨.૫૦ લાખ એમ કુલ ૧૨૭.૫૦ લાખના વિવિધ કાર્યો અંગે ચર્ચા કરી મંજૂર કરવામાં આવ્યા હતા.