વિંછીયાના ઢેઢુકી ગામે કયાં ગયા ભુવા ? તેમ કહી છેડતીનો આરોપ નાખી વૃધ્ધ ઉપર ૭ શખ્સોએ ધારીયા – છરીથી હુમલો કર્યો હતો. સામા પક્ષે પરિણીતાએ દાણા જોવાના બહાને છેડતી કર્યાની વૃધ્ધ સામે ફરિયાદ કરતા વિંછીયા પોલીસે અંધશ્રધ્ધાના નવા કાયદા તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, વિંછીયાના ઢેઢુકી ગામની સીમમાં રહેતા ચકુભાઇ પોલાભાઇ સાંકળીયા (ઉ.વ.૬૫) એ વિશાલ સામંતભાઈ મેણીયા રે. દેવપરા (નવાગામ) આણંદપુર તા. ચોટીલા તથા અજાણ્યા ૬ શખ્સો સામે વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી પોતાની વાડીના મકાને સૂતા હતા ત્યારે વિશાલ સહિતના ૭ શખ્સોએ મકાનની અંદર પ્રવેશી કયાં છે ભુવા ? તેમ કહી છેડતીનો આરોપ નાખી ધારીયા-છરીથી ઇજા કરતા પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ બનાવમાં વિંછીયા પોલીસે ઇજાગ્રસ્ત
વૃધ્ધની ફરિયાદ ઉપરથી વિશાલ સહિતના ૭ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સામા પક્ષે પરિણીતાએ ઇજાગ્રસ્ત
વૃધ્ધ ચકુભાઇ સાંકળીયા સામે દાણા જોઇ માનતા કરવાના બહાને પોતાની વાડીએ બોલાવી છેડતી કર્યાની ફરિયાદ નોંધાવતા વિંછીયા પોલીસે અંધશ્રધ્ધાના નવા કાયદા તળે તથા છેડતી અંગે ગુનો દાખલ કર્યો હતો.