વાવેરા ગામના એક ખેડૂતને ફોર વ્હીલમાં બેસાડી ત્રણ ઇસમોએ ખમીસના સોનાના બટન ઝૂંટવી લઈ ગાડીમાંથી ધક્કો મારીને નાસી છૂટ્યા હતા. બનાવ અંગે રાઘવભાઇ કાળાભાઇ કાછડ (ઉ.વ.૭૦)એ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, રાઘવભાઈ તેમની વાડીએથી વિજપડી – રાજુલા રોડ થઇ તેના ઘરે ચાલીને જતા હતા ત્યારે ત્રણ અજાણ્યા આરોપીઓ એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી લઇ તેમની પાસે આવ્યા હતા. ફોર વ્હીલ ચાલકે તેમને કહ્યું કે “ચાલો દાદા હાલીને જવા કરતા મારી ગાડીમાં બેસી જાવ તમારે ક્યા જવુ છે?” જેથી તેમણે કહ્યું કે મારે થોડેક આગળ ઇંટોના ભઠ્ઠા સુધી જાવું છે” તેમ કહેતા તેમને તમો કહો ત્યાં ઉતારી દઇશ” તેમ કહી ગાડીમાં બેસાડ્‌યા હતા.
જે બાદ ઇંટોના ભઠ્ઠા પાસે ગાડી આવી તેમણે મને અહીં ઉતારી દો તેમ કહ્યું હતું. જે બાદ ગાડીનો દરવાજો ખોલી નીચે ઉતરવા જતા તેમણે પહેરેલ ખમીસમાંના એક સરખા સોનાના ત્રણ બટન આંચકી ઝુંટવી લઇ ધકકો મારી આરોપીઓ ફોરવ્હીલ ગાડી લઇ નાસી ગયા હતા. પોલીસ ચોપડે સોનાના બટનની કિંમત રૂપિયા છ હજાર જાહેર થઈ હતી. આ અંગે ફરિયાદના આધારે રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.બી.સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.