જિલ્લા પંચાયત અમરેલીનાં પ્રમુખ ભરતભાઈ સુતરીયાએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીને પત્ર લખી અમરેલી જિલ્લામાં પડેલ કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર આપવા માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ૧૩થી ૧૫ મે સુધી સમગ્ર અમરેલી જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે ખેતોએ વાવેતર કરેલ ઉનાળુ ખેતી પાકો જેવા કે બાજરો, તલ, મગ, ડુંગળી, જાર વિગેરે પાકોને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે. તેમજ બગાયતી પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની થયેલ છે. આ ઉપરાંત બાબરા, વડિયા સહિતના વિસ્તારોમાં ખેતીને નુકસાન થયુ છે. જયારે બાબરા શહેરમાં ૧૦૦ જેટલા વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયેલ છે. તેમજ બાબરા તથા અમરાપરા વિસ્તારમાં જી.આઈ.ડી.સી અને જિનિંગ મીલોને પણ નુકસાની થયેલ હોય ત્યારે તાત્કાલિક સર્વે કરીને જરૂરી યોગ્ય સહાય કરવા રજૂઆત કરી છે.