ધારી તાલુકાના વાવડી ગામે બાઇક સાઇડમાં લેવા જેવી નજીવી વાતમાં બબાલ થઈ હતી. જેમાં બિભત્સ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મુદ્દે શીવરાજભાઈ દીલુભાઈ ખુમાણ (ઉ.વ.૨૫)એ જનકભાઇ કનુભાઇ વાળા, કનુભાઇ બચુભાઇ વાળા, ઉદયભાઇ ભોજભાઇ વાળા, આલકુભાઇ જીજીભાઇ વાળા, આલીંગભાઇ જીજીભાઇ વાળા તથા ઉપેન્દ્રભાઇ ઉમેશભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ શીવરાજભાઈ પોતાની ફોરવ્હીલ ગાડી લઇ ઘરે આવતો હોય ત્યારે અજયભાઇ જગુભાઇ વાળાની બાઇક રસ્તામાં આડી પડી હતી. જેથી તેમની ફોરવ્હીલ ઘરે અંદર જઇ શકે તેમ ન હોવાથી બાઇક સાઇડમાં લેવાનું કહેતા સારૂ નહોતું લાગ્યું અને બંન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાદ ઘરમેળે સામાધાન થઇ ગયું હતું પણ આરોપીઓએ આગળ-પાછળ વારા ફરતી આવી વગર કારણે ગાળો આપીને જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાદ કનુભાઈ બચુભાઈ વાળા (ઉ.વ.૫૨)એ શીવરાજભાઇ દીલુભાઈ ખુમાણ, સુરેશભાઈ દીલુભાઈ ખુમાણ તથા દીલુભાઈ આપાભાઈ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ઘર પાસે અવાજ આવતો હતો. જેથી તેમણે ઘરની બહાર નીકળી જોતા ઉપરોકત ત્રણેય આરોપી ઝઘડો કરતા હોવાથી તેમને સમજાવવા જતા સારૂ નહોતું લાગ્યું અને લોખંડનો પાઇપ માથાના ભાગે મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાથી ધમકી આપી હતી.