કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે જાહેરાત કરી હતી કે સરકાર બિન-વાણિજ્યિક વાહનો (કાર, જીપ, વાન) માટે ફાસ્ટટેક વાર્ષિક પાસ જારી કરશે. આ પાસની કિંમત ૩૦૦૦ રૂપિયા હશે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ફાસ્ટેગ વાર્ષિક પાસ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ થી અમલમાં આવશે, જેનાથી હાઇવે પર કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી શક્ય બનશે. આ ફાસ્ટેગ વાર્ષિક પાસ ફક્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે માન્ય રહેશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ પાસ જારી થયાની તારીખથી એક વર્ષ અથવા ૨૦૦ ટ્રિપ્સ (જે વહેલું હોય તે) માટે માન્ય રહેશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ જણાવ્યું હતું કે વાર્ષિક પાસ દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરીને ખૂબ જ અનુકૂળ અને આર્થિક બનાવશે. આ માટે, હાઇવે ટ્રાવેલ એપ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર ટૂંક સમયમાં એક લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગડકરીએ કહ્યું કે આ નીતિ ૬૦ કિલોમીટરની ત્રિજ્યામાં સ્થિત ‘ટોલ પ્લાઝા’ વિશે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓને દૂર કરશે. આ સાથે, તે ટોલ ચુકવણીને સરળ બનાવશે અને ઘણો સમય બચાવશે.
નીતિન ગડકરીએ કહ્યું કે આ પાસથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે. તેમણે કહ્યું કે જે પાસ માટે તમે આખા વર્ષ માટે ૩૦૦૦ રૂપિયા ચૂકવશો, જા તેના માટે ટોલ ચૂકવવામાં આવે તો તે ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ થઈ જાય છે. આનો સીધો અર્થ એ છે કે તમે ૩૦૦૦ રૂપિયાના પાસથી ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ મુસાફરી કરી શકો છો અને દર વર્ષે ૭૦૦૦ રૂપિયા બચાવી શકો છો. ગડકરીએ કહ્યું કે આ પાસ પરથી ટોલ પસાર કરવાની સરેરાશ ફી લગભગ ૧૫ રૂપિયા હશે, જ્યારે તેની વાસ્તવિક કિંમત ૫૦ થી ૧૦૦ રૂપિયાની વચ્ચે છે.
ધારો કે તમે પ્રતિ ટોલ ૫૦ રૂપિયાના દરે ૨૦૦ ટોલ પસાર કરો છો, તો પણ આ મુજબ, તમારે ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ આ વાર્ષિક પાસ દ્વારા, તમે ફક્ત ૩૦૦૦ રૂપિયામાં ૨૦૦ ટોલ પાર કરી શકો છો. મંત્રીએ કહ્યું, “આ વાર્ષિક પાસનો ઉદ્દેશ્ય લાખો ખાનગી વાહનોને ટોલ પર રાહ જાવાનો સમય, ભીડ અને ટોલ પ્લાઝા પર વિવાદો ઘટાડીને ઝડપી અને સરળ મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો છે.”
ઉદાહરણ તરીકે, જા તમે ગુરુગ્રામથી માનેસર સુધી એનએચ-૮ દ્વારા મુસાફરી કરો છો, તો તમારે એક ટ્રીપ માટે ૮૫ રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે. જા તમે ગુરુગ્રામથી માનેસર અને માનેસરથી ગુરુગ્રામ સુધી મુસાફરી કરો છો, તો તમારે બે ટ્રીપ માટે કુલ ૧૭૦ રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે. આ રીતે, જા તમે આ રૂટ પર ૨૦૦ ટ્રીપ કરો છો, તો તમારે કુલ ૧૭,૦૦૦ રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે. પરંતુ જા તમારી પાસે ફાસ્ટેગ વાર્ષિક પાસ છે, તો તમે ગુરુગ્રામથી માનેસર અને માનેસરથી ગુરુગ્રામ વચ્ચે ફક્ત ૩૦૦૦ રૂપિયામાં ૨૦૦ ટ્રીપ કરી શકો છો. અહીં તમે સીધા ૧૪,૦૦૦ રૂપિયા બચાવશો.
કેન્દ્રીય મંત્રીની આ જાહેરાત પછી, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જેમની પાસે પહેલાથી જ ‘ફાસ્ટેગ’ છે તેમને નવો ફાસ્ટેગ ખરીદવાની જરૂર રહેશે નહીં. મંત્રાલયે કહ્યું, “વાર્ષિક પાસ તમારા હાલના ફાસ્ટેગ પર સક્રિય કરી શકાય છે જા તે પાત્રતા માપદંડોને પૂર્ણ કરે (એટલે કે, તે વાહનના વિન્ડશિલ્ડ પર યોગ્ય રીતે ચોંટાડાયેલો હોય, વાહનના માન્ય નોંધણી નંબર સાથે જાડાયેલ હોય, બ્લેકલિસ્ટેડ ન હોય, વગેરે).” ફાસ્ટેગ વાર્ષિક પાસ ફક્ત નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસવે ટોલ પ્લાઝા પર જ માન્ય રહેશે. રાજ્ય સરકારો અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત એક્સપ્રેસવે, સ્ટેટ હાઇવે વગેરે જેવા ટોલ પ્લાઝા પર, આ વાર્ષિક પાસ સામાન્ય ફાસ્ટેગની જેમ કામ કરશે અને તેના માટે નિશ્ચિત શુલ્ક લાગુ થઈ શકે છે.
મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે વાર્ષિક પાસ ફરજિયાત નથી અને હાલની ફાસ્ટેગ સિસ્ટમ રાબેતા મુજબ કાર્યરત રહેશે, “જે લોકો વાર્ષિક પાસ પસંદ કરતા નથી તેઓ ટોલ પ્લાઝા પર લાગુ ટોલ દરો અનુસાર નિયમિત વ્યવહારો માટે તેમના ફાસ્ટેગનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે.” મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૦૦ ટ્રિપ્સ (૧ ટ્રિપ એટલે ૧ ટોલ) ની મર્યાદા સમાપ્ત થયા પછી તમે વાર્ષિક પાસ ફરીથી ખરીદી શકો છો, ભલે એક વર્ષની માન્યતા અવધિ સમાપ્ત ન થઈ હોય,” મંત્રાલયે જણાવ્યું હતું.