વારાણસીમાં મસ્જિદ બાદ હવે કોંગ્રેસના કાર્યાલયને પણ ગુલાબી રંગે રંગી દેવામાં આવ્યુ છે.જેના પગલે વિવાદ શરુ થયો છે.પીએમ મોદી ૧૩ ડિસેમ્બરે વારાણસી આવવાના છે અને તેઓ વિશ્વનાથ ધામનુ લોકાર્પણ કરવાના છે.આ પહેલા વિશ્વનાથ મંદિર તરફ જતા રસ્તા પર કલરકામ થઈ રહ્યુ છે અને એકરુપતા માટે તમામ ઈમારતોને ગુલાબી રંગથી પેઈન્ટ કરાઈ રહી છે.દરમિયાન કોંગ્રેસના કાર્યાલયને પણ ગુલાબી રંગથી રંગી દેવામાં આવતા વિવાદ શરુ કરાયો છે.કોંગ્રેસે રંગ હટાવવા માટે ૩૬ કલાકનુ અલ્ટીમેટમ આપીને આંદોલનની ચીમકી આપી છે.
આ પહેલા રસ્તામાં આવતી મસ્જિદને પણ ગુલાબી રંગ કરાયો હતો અને તેની સામે મુસ્લિમોએ વાંધો ઉઠાવતા મસ્જિદને ફરી તંત્ર દ્વારા સફેદ રંગ કરવામાં આવ્યો હતો.
હાલમાં વારાસણીમાં કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે.દરમિયાન કોંગ્રેસે તાજેતરમાં કહ્યુ હતુ કે, કોરિડોરના નિર્માણ દરમિયાન ઘણી પૌરાણિક વસ્તુઓને ધ્વસ્ત કરવામાં આવી છે.ભાજપને લાગે છે કે, રાજકીય માર્કેટિંગ કરીને વારાણસીના લોકોને ભ્રમિત કરી શકાશે પણ કોરિડોરના નામે બંને તરફ મોલ બનાવીને લોકોને પ્રભાવિત નહીં કરી શકાય.કાશીના લોકો આ પ્રકારના બાંધકામથી દુખી છે.
ઉલ્લખનીયછે કે, ૫.૨૭ લાખ સ્કેવરફૂટમાં ફેલાયેલો કાશી વિશ્વનાથ પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને હવે તેનુ કામ પુરુ થઈ ગયુ છે.