આ શિયાળાની રાત હતી. કાતિલ ઠંડી પણ હતી પણ પરસ્પરના પ્રેમનું તાપણું સળગતું હતું. શહેરથી થોડે દૂર અભિષેક પટેલ જેવા ગર્ભશ્રીમંત મિત્રનું ફાર્મહાઉસ હતું. માગશરનો ઠાર હતો પણ હજી હમણાં જ ઓળા, રોટલા, માખણ, ગોળ અને મરચાં ઉપર શેઢડકા દૂધ જેવી છાશનું વાળું કર્યા પછી એ ઠાર અંદરનાં ભાવોને ઉલટાનાં ઉશ્કેરી, ઉશ્કેરી ગરમાવો કરી રહ્યો હતો. પાર્ટી મિત્રોમાં ઉંમરના કોઇ જ ભેદભાવ નહોતા. અભિષેક પટેલ જેવો ર૮-૩૦ વર્ષનો લવરમૂછિયો જુવાન પણ હતો અને ચંદ્રેશકાકા જેવા ચોપન વર્ષનાં વિધૂર અંકલ પણ હતા. ચાલીસે પહોંચવા આવેલો ચિરાગ દોશી પણ હતો ને બત્રીસ વર્ષ સુધી કઠોડે ચડી ને હજી સુધી વાંઢો રહી ગયેલો વિમલ પરસાણાં પણ હતો. દસેક જેટલા મિત્રો હતા જેમાંથી ચંદ્રેશકાકા અને વિમલ સ્ત્રીના વિયોગથી ઝૂરતા પાત્રો હતા. બાકીના ઘરે અપ્સરાઓ જેવી પત્નીઓ હતી. આજે પાર્ટીમાં અભિષેકનો ગામડાનો મિત્ર અને જ્યોતિષ જાણતો, ઇચ્છાશંકર ગોરનો દીકરો વાસુદેવ આવ્યો હતો અને અભિષેકના કહેવાથી બિલોરી કાચ લઇને વાસુ ચંદ્રેશકાકાની હથેળી જાઇ રહ્યો હતો ને પાંચ મિનિટનું નિરીક્ષણ કર્યા પછી ચંદ્રેશકાકાની હથેળી ઉપર જ તાલી પાડતા કોન્ફિડન્સથી કહેતો હતો “કાકા, લખી રાખજા : આજથી બે વર્ષ નવ મહિના અને ૧૩ દિવસ પછી તમારી જિંદગીમાં એક સ્ત્રી આવશે !! ” વાત સાંભળીને બધાએ ચંદ્રેશકાકાને ઊંચકી લીધા. ચંદ્રેશકાકાના તનમનમાં ગૂદગૂદી થઇ રહી. “પણ સ્ત્રી હશે કેવડી ?” વાસુએ જવાબમાં મસ્તી કરી: “તમને બધી જ રીતે સાચવી લે એવડી !!” અને બધા જ મિત્રોએ ચિચિયારી કરી.
“હવે એક આ વિમલાનું ભવિષ્ય જાઈ દે વાસુડા.” અભિષેકે કહ્યું: “એને નથી મા, નથી બાપ. કુટુંબમાં સાવ એકલો છે એટલે કોઇ આગળ ચાલીને વાત કરવાવાળું નથી અને તેને ને લવેરિયા નામના રોગને બાર ગાઉનું છેટું છે એનો એક નેઠો પડી જાય પછી અમારે દસે જણાએ એક કપલ ટુર કાઢવી છે !!”
વાસુએ એનો હાથ જાયો કે પોતાના જ ગોઠણ ઉપર હાથ પછાડયો: “અભલા, તારા આ મિત્રના સ્ટાર તો ખૂબ જાર કરે છે આને તો ઘરવાળીય મળશે અને વીઘા જેવડું ઘર પણ મળશે. મીન્સ કે ચાંદની જેવી પત્ની તો મળશે જ સાથે ચાંદ જેવું ઘર પણ મળશે. ચંદ્રેશભાઇ અને વિમલની આંખોમાં તો કલ્પનાની મૂર્તિઓ સમી પોત પોતાની અપ્સરાઓ ઉતરી આવી.
કોઇ ઘટનાને છેડો કયારે, કેમ, કયાં સુધી અને કઇ રીતે પહોંચતો હોય છે ? એ કોઇ નથી જાણતું ! એ જ શહેરની તદ્દન વિરૂધ્ધ દિશામાં આવેલા એક ઘરમાં અત્યારે એકના એક યુવાન દીકરાનાં લગ્નગીતો ગવાઇ ગયા હતા અને વરરાજા, વિશાલ પોતાની ભાવિ પત્ની વૈશાલીના ખ્વાબમાં ખોવાઈ ગયો હતો. ધોળ મંગળ, ગણેશ સ્થાપન, દાંડિયારાસ પત્યા પછી વરને પીઠી ચોળવા માટે યુવાન બહેનો, મામીઓ અને ભાભીઓ પડમાં આવી. અહી પીળો રંગ તન પર ઉઘડતો હતો ત્યાં વૈશાલીની હથેળીમાં મહેંદીનો લાલ મરૂન રંગ ઉઘડતો હતો. બીજે દિવસે જાન ગઇ અને સૂર્ય આથમતા સુધીમાં તો ફૂલની ટોકરી જેવી વૈશાલી બહુને તેડતી ય આવી. આજ સપનાંની રાત હતી. વ્હાલો વર હતો અને વરના વિરહથી વ્યાકૂળ વધૂ હતી. એ આખી રાત ફૂલ ખીલ્યાં, ચગદાયાં, સપના લૂંટાયા અને રાત મહેંકી ઉઠી ! બાર જણાનાં સંયુક્ત પરિવારમાં ઉછરેલી વૈશાલીને કાકીઓએ અને મમ્મીએ શિખામણ આપી હતી. એ ઘર છે પણ પિયર નથી. સાસુમા છે પણ જનેતા નથી. એટલે સવારે વહેલી ઉઠી જજે અને ઘરની રૂઢિ જેમ બને એમ વહેલી વહેલી શીખી જજે. પણ અહીંયા તો ઊંધુ જ થયું. વિશાલની બાહુપાશમાંથી છૂટીને સવારમાં છ વાગ્યે ઉઠી ગયેલી વૈશાલી દાદરો ઉતરીને નીચે આવી ત્યારે સાસુ પાણી ભરી રહ્યા હતા. “લાવો મમ્મી… પાણી હું ભરૂં છું.” કરતી એ નજીક આવી કે સાસુ તેની સામે ક્ષણેક તાકી રહ્યા પછી ગાલ ઉપર મીઠી ટપલી મારતા કહે ઃ “બેટા, હજી તારે વહેલા વહેલા ઉઠી જવાનો સમય નથી આવ્યો, જા, તારા રૂમમાં જા. આઠ વાગ્યે ઉઠજે જ્યારે મને એવું લાગશે ત્યારે આગલે દિવસે કહી દઇશ. તું મારી વહુ નથી પણ દીકરી છો જા…” એમ કહીને પરાણે રૂમમાં ધકેલી દીધી. વૈશાલી ફરી વાર વિશાલની બાહુમાં સપડાઇ ગઇ તે છેક આઠ વાગ્યે ઉઠી. બે દિવસ પછી મહેમાનો તો ચાલ્યા ગયા પણ સાસરૂં હવે સાસરૂં લાગતું નથી. મા કરતા વિશેષ રીતે મનોરમા જેવી સાસુ વહુની સંભાળ રાખે છે. દિવસે ને દિવસે સાસુ વહુ વચ્ચેનું બોન્ડિંગ વધતું ચાલ્યું. અચ્યુતભાઇને બોબીનની ફેકટરી હતી. દીકરો મિકેનીકલ એન્જીનિયર થઇને હવે જાડાયો હતો. ધંધો જામી રહ્યો હતો. અહીં સાસુ વહુ નિત-નવી પ્રવૃત્તિ કરતા હતા પણ મનોરમા બહેનને શોપીંગનો ખૂબ જ શોખ. શોખ તો તેમને તૈયાર થવાનો પણ એટલો જ. દર પંદર દિવસે બ્યુટીપાર્લરમાં જવા જાઇએ અને એટીકેટમાં જ રહેવું ગમે. સાંજ પડે કે અચ્યુતભાઈને ફેકટરીએથી આવવાનો સમય થાય ત્યારે મનોરમા બહેન જાણે સોળ શણગાર સજીને તૈયાર બેઠા હોય. અચ્યુતભાઇ ચા પાણી પીવે પછી બન્ને જણાને બહાર ફરવા જાઇએ જ. સાથે અને સજાડે આ ઉમરે સાસુ આટલા શોખીન મળશે એવી વૈશાલીએ કલ્પના પણ નહોતી કરી પણ સાસુ બ્યુટીપાર્લરમાં જાય એટલે વૈશાલીને અવશ્ય લેતા જ જાય. બ્યુટીપાર્લર વાળા બહેનને કહે: “વહુ નથી પણ મારી દીકરી છે એને તું ટીપટોપ બનાવી દે. આરસની પૂતળી લાગવી જાઇએ !!” વૈશાલી તાજજુબ થઇ જાય. વરસ વીતવા આવ્યું કે એ સુખના ટીપાં વૈશાલીના ઉદરે ઝીલાયા. એ વાત મનોરમાબેનની ચકોર નજર બહાર ન રહી. એક સાંજે બન્ને એકલા હતા અને વૈશાલીના ગાલ ઉપર વહાલથી હાથ ફેરવતા, આંખોમાં આંખો નાખી એમણે પૂછયું. કેટલા દિવસ ચડયા છે બેટા ? ” જવાબમાં વૈશાલી શરમાઇ ગઇ. માંડ માંડ બોલી શકી: “મમ્મી, આજકાલમાં હું તમને વાત…” “કોઇ વાંધો નહીં, મને ખુશી થઇ.” એમ કહીને વૈશાલીનું કપાળ ચૂમ્યું. દિવસો પવનવેગે ભાગ્યા અને કલૈયાકુંવર જેવો દીકરો જન્મ્યો પણ કાળ તરફ ધકેલાઇ રહેલા ભાગ્યની તો ભનક પણ સાસુ-વહુને કયાંથી હોય ? ફેકટરીના કામે મહારાષ્ટ્ર તરફ ગયેલા બાપ દીકરાની કારને એક ટ્રકવાળાએ ઉલાળ્યા.. એક જ ક્ષણની વાત. સાસુ-વહુના એક સાથે બે સુહાગ ચાંદલા ઉઝડયા. ઘર સૂનુ બની ગયું. જિંદગી વેરાન થઇ. ફેકટરી તો હતી પણ ધંધાની સૂઝબૂઝ નહોતી. સ્ટાફના મહેતાજી ખબર લાવ્યા એક છોકરો નોકરી કરતો હતો છ એક વરસ પહેલા ત્યારે અચ્યુતભાઇ એકલા હતા અને પેલો તેમનો પડછાયો હતો એને બોલાવીએ તો ધીમે ધીમે વૈશાલીને ધંધો શિખડાવશે અને શોધ થઇ અને વિમલ ફેકટરીમાં આવ્યો. સમાચાર સાંભળીને એને ઘણું દુઃખ થયું. સાસુ વહુને સાંત્વના આપી અને ધંધાની દ્રષ્ટિ આપી વૈશાલીને ધંધાનું મિકેનિઝમ શીખડાવવા લાગ્યો. સાસુ વહુ ધીમે ધીમે સ્વસ્થ થયા. વિમલને સારો પગાર ઓફર થયો, જાણે પોતાની મા હોય એમ વિમલ મનોરમાબહેનમાં ઓતપ્રોત થઇ ગયો. જાણે નવા જન્મે મા મળી. મનોરમાએ પણ મનીની સાથે મમતા ભરપૂર આપી. આ તરફ વિશાલનો દીકરો પણ મોટો થઇ રહ્યો હતો. વહુ હવે દુઃખ ભૂલતી જતી હતી અને વિમલ સાથે ભળી રહી હતી. બન્નેને સાથે ધંધાના કામે જવું પડતું પણ એક મર્યાદા સાથે જીવી રહ્યા હતા. એક દિવસ, વિમલે મનોરમાબહેન આગળ વાત મૂકી: “માસી, મારી જ જેવા પ્રમાણિક મારા મિત્ર કહો કે વડીલ કહો એવા ચંદ્રેશ અંકલ છે. તેઓ કામ શોધે છે. તમે કહો તો ફેકટરીએ લઇ આવું… પગાર તમે જે કહો તે..” મનોરમા હવે શું કામ તેની વાત ઉથાપે ? બે દિવસ બાદ ચંદ્રેશભાઇ આવ્યા અને વહીવટને લગતો, બેન્કને લગતો અને તમામ પત્ર વ્યવહાર તેમને સોંપી દીધો. દિવસો પસાર થઇ રહ્યા હતા દુઃખ થાળે પડતું હતું પણ રાત્રે જયારે કામેથી આવીને જમી કારવી, વૈશાલી નહાઇ ધોઇને ગાઉન પહેરી સાસુ પાસે સુવા આવતી ત્યારે એ ગાઉનમાંથી છલકાઇ રહેલી યુવાની, સાસુને સુવા ન દેતી. પુત્રવધૂ હજી યુવાન હતી. વહેતા પાણીને જગ્યા જાઇએ તો જ પાણી તાજું રહે, નિર્મળ રહે બાકી તો એ પાણી ગંધાઇ ઉઠે. એક રાત્રે પૌત્ર ઘસઘસાટ સૂઇ ગયો હતો. ડબલબેડમાં આમતેમ પડખાં ફેરવતી વૈશાલીને ઊંઘ આવતી નહોતી. તો આ તરફ કયારનાય જાગતાં પડ્યા રહેલા મનોરમા બહેન પડખું ફર્યા. નાઇટ લેમ્પના અજવાળામાં ચાર આંખો ભેગી થઇ. મનોરમાબહેન બેઠા થયા અને વૈશાલીનું માથું ખોળામાં લીધું. આંખો ઉપર, ગાલે અને માથે હાથ ફેરવીને પૂછયું: “મારી એક વાત માનીશ… દીકરી ? ” જવાબમાં ચમકીને વૈશાલી બેઠી થઇ ગઇ: “તમને મારી ઉપર વિશ્વાસ નથી મમ્મી ?”
“સો ટકા છે પણ તારે મારી વાત ઉપર વિશ્વાસ રાખીને હા પડવાની છે. બોલ મારી વાત માનીશ ?”
“માની વાત કઇ દીકરી ન માને કહો જાઉ…”
“તો વિમલ સારો છોકરો છે. મેં તેની આંખોમાં તારા પ્રત્યેનો પ્રેમ, વફાદારી અને આપણા ધંધા પ્રત્યેની વફાદારી જાઇ છે. એ તને ખૂબ સાચવશે. એકવાર તું હા પાડ એટલે પછી…”
“વૈશાલી સાસુને તાકી રહી. તેની આંખમાં આંસુ આવ્યા. એણે કહ્યું: “વિશાલને હું નહી ભૂલી શકું…”
“વિમલ ભૂલવાડી દેશે તેની મને ખાતરી છે.”
“તમે મને આ ઘરમાંથી કાઢવા માગો છો મમ્મી ?”
“ના રે ગાંડી, આ ઘરમાં જ તો આપણે રહેવાનું છે. વિમલ સાથે બધી વાત થઇ ગઇ છે. વિમલ અહીંયા આવી જશે રહેવા…” “મમ્મી…” વૈશાલી એક પળ તાકી રહી પછી બોલી ઃ “ ભવિષ્યનો બધો જ વિચાર કરીને રાખજા. કાલ સવારે તમને એકલા પડી ગયાની વેદના થશે.”
“નારે, મેં પણ વિચાર કરી જ લીધો છે બેટા. એકલતા જેવું કોઇ  દુઃખ નથી. મારી એકલતા પણ દૂર થઇ જશે ફરી પાછા આપણે ચાર અને આપણાં બધાનો મુન્નો તો છે જ ને ?”
“તમારી એકલતા કોણ દૂર કરશે ? ”
“ચંદ્રેશ…” મનોરમાબહેનની નજર નીચે ઢળી ગઇ: “દીકરી આગળ છૂપાવીશ નહીં. મને પણ એકલતા ખટકે છે બેટા અને ચંદ્રેશ અને હું તો કોલેજમાં સાથે જ હતા.”
“મમ્મી…” વૈશાલીએ મનોરમાને હાથની પાંખમાં લઇ લીધા. થોડાક દિવસ પછી બંગલો ફરીવાર ટહુકતો થઇ ગયો. બે સ્ત્રીઓને જીવનસાથી તો મળ્યા પણ વિમલને તો મા પણ મળી અને બાળપણ !!!!