એક હતી કાબર. કાબર તો ભારે વાતોડી. આખો દિવસ જ્યારે જુઓ ત્યારે કલબલ ક્લબલ કર્યા કરે. વાત નહીં ને વાતનો પાર નહીં. તક મળી નથી કે મંડે વાતો કરવા.
સવારે વાતો, સાંજે વાતો;
દિવસે વાતો, રાત્રે વાતો;
ખાતાં વાતો, પીતાં વાતો;
ઊઠતાં વાતો, બેસતાં વાતો.
બસ વાતો, વાતો ને વાતો જ.
એમાંય જ્યારથી એના હાથમાં મોબાઈલ આવ્યો હતો ત્યારથી તો એને વાતો કરવાની મજા પડી ગઈ હતી.
આડોશી-પાડોશી સાથે વાતો, સગાં-સંબંધી સાથે વાતો.
વાત કરવાનો સમય પણ ન જુએ. પોતે નવરાં હોય એટલે કોઈને ફોન જોડે અને અલકમલકની વાતો માંડે.
એક વખત રસોડામાં ગેસની સગડી પર દૂધ ગરમ કરવા મૂક્યું. કાબરને થયું લાવને દૂધ ગરમ થાય ત્યાં સુધી મારી બહેનપણી સાથે વાત કરી લઉં. એમણે તો ફોન જોડ્યો અને મંડયા વાતો કરવા. વાત વાતમાં સગડી પર દૂધ મૂક્યું છે એ તો ભૂલાઈ જ ગયું. થોડીવારમાં બધુંય દૂધ ઉભરાઈ ગયું. દૂધ બળવાની વાસ આવી એટલે કાબર તો સફાળી રસોડામાં ગઈ, પણ બધુંય દૂધ ઉભરાઈ ગયું હતું. કાબરને થયું, ‘હાય… હાય… હુંય મુઈ ખરી છું! આ વાતો કરવામાં મારું બધુંય દૂધ ઉભરાઈ ગયું.’ સામેથી બહેનપણીએ કહ્યું પણ ખરું, ‘અલી કાબર, તું તો ખરી વાતોડી હો! જરા ધ્યાન રાખતી હોય તો!’
એક વખત ફરી એવું બન્યું. રસોડામાં ગેસની સગડી પર ઘી ગરમ કરવા મૂક્યું. કાબરને થયું લાવને ઘી ગરમ થાય ત્યાં સુધી મારી બહેનપણી સાથે વાત કરી લઉં. એણે તો ફોન જોડ્યો અને મંડી વાતો કરવા. વાત વાતમાં સગડી પર ઘી મૂક્યું છે એ ભૂલાઈ જ ગયું. થોડીવારમાં ઘી બળવા માંડ્યું. ઘી બળવાની વાસ આવી એટલે કાબર તો સફાળી રસોડામાં ગઈ, પણ બધુંય ઘી બળી ગયું હતું. કાબરને થયું, ‘હાય… હાય… હુંય મુઈ ખરી છું! આ વાતો કરવામાં મારું બધુંય ઘી બળી ગયું.’ હવે કાબર સાથે આવું વારંવાર બનતું. રસોડામાં સગડી પર કંઈક મૂકે ને વાતોએ વળગી જાય. વાતોમાં એવી ખોવાઈ જાય કે બધુંય ભૂલી જાય. યાદ આવે ત્યારે ઘણું મોડું થઈ જતું. એક વખત ચકીબેન કાબરના ઘેર આવ્યાં. કાબરે કહ્યું, “ચકીબેન, તમે બહુ દિવસે મારા ઘેર આવ્યાં. હવે તમે જમીને જ જજો.” એમ કહી કાબર રસોડામાં ગઈ. ચકલીને કાબરના વાતોડિયા સ્વભાવની ખબર હતી. કાબરે જમવાનું બનાવતાં બનાવતાં વાતો કરવાનું શરૂ કર્યું. એનું ધ્યાન રસોઈમાં ઓછું ને વાતોમાં વધારે હતું. ચકી પણ ચકોર હતી. એ જાણતી હતી કે આ વાતોડી કાબરનું ધ્યાન રસોઈમાં ઓછું છે. એ ઘડીએ-ઘડીએ કાબરને બધું યાદ કરાવતી. “જો જરા ભાત જોઈ આવ. જો જરા દાળ જોઈ આવ. અને જો જે હોં, પેલો શીરો બળી ન જાય.” ચકીબેનની ટકોર સાંભળી કાબર થોડું શરમાઈ. ચકીબેન શું કહેવા માગે છે તે કાબરને સમજાઈ ગયું. હવે એણે વાતો મૂકીને રસોડામાં ધ્યાન આપ્યું. ઘડીભરમાં સરસ મજાની રસોઈ તૈયાર થઈ ગઈ. કાબર અને ચકીએ સાથે મળીને ખાધું-પીધું ને મોજ કરી.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭