અમરેલી બાયપાસ રોયલ એનફીલ્ડ શો રૂમની સામે એક વાડી ખેતરના શેઢે ઉછરેલા વૃક્ષો મૂળમાંથી ઉખાડી નાખવા મુદ્દે પૂછવામાં આવતાં કાંઈ બોલીશ તો તને જીવતો નહીં જવા દઈએ તેમ કહી યુવકને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે અમરેલીમાં રહેતા વિરલભાઈ ચંદુભાઈ કલકાણી (ઉ.વ.૩૭)એ તેમના જ ગામના મધુભાઈ ઠાકરશીભાઈ કાબરીયા તથા ધીરૂભાઈ ઠાકરશીભાઈ કાબરીયા તથા દુલાભાઈ ભગવાનભાઈ કાબરીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ પોતાની વાડી ખેતરનો રસ્તો પહોળો કરવા જે.સી.બી. ભાડે મંગાવી તેમની વાડી ખેતરના શેઢે ઉછરેલા વર્ષો જુના ઝાડ મૂળમાંથી પાડી દીધા હતા. તેમજ આસપાસમાં ઉછરેલા નાના મોટા ઝાડવાઓને નુકસાન કર્યું હતું તથા તેમના વાડી ખેતરના શેઢાના ભાગે ખોદકામ કરી આશરે રૂપિયા ત્રીસેક હજારનું નુકસાન કર્યુ હતું. તેમની વાડી પાસે આરોપીઓ મળતા આ બાબતે પૂછતા આરોપીઓને સારૂ નહોતું લાગ્યું અને આ બાબતે કાંઇ બોલીશ તો તને જીવતો નહી જવા દઈએ એમ કહી મારી નાખવાની ધમકીઓ આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જી.બી. લાપા વધુ તપાસ કરી રહ્યા છે.