(ગતાંકથી આગળ)
તાજા જ ધોયેલા વાળ છૂટા હતા. વાળમાંથી પાણીનાં ટીપાં ક્યારેક ટપકતાં હતાં. ને તેનાં અંગઉપાંગોને અર્ધપારદર્શક કિંમતી ગાઉને શરમથી ઢાંકેલાં હતાં. કોણ જાણે અત્યારે તેનાં ચહેરા પર ખુશીની અનેરી ચમક ચમકતી હતી.
અષાઢ માસની વદ આઠમ એટલે વર્ષારાણીનું આગમન. એના આગમન થકી ધરતીના માનવો ખુશ થઈ ઉઠે. અત્યારે ધીમી ધારે આવતો વરસાદ લયબદ્ધ રીતે સંગીતના તાલમાં જાણે સુર પુરાવતો હતો. ભીની માટીની સુગંધ ફેફસાંના ઊંડાણમાં આળોટી બહાર નીકળવા લાગી ને અનાયાસે મીરાના મુખમાંથી આહ…આહ…એવા સૂના શબ્દો નીકળી હવામાં ભળી ગયા.
આવા સમયે, આવા વરસાદમાં છાતી, હાથ, આંખોનાં પોપચાં અને કાનની બૂટને ભીંજવતાં ટીપાં
પ્રિયતમની જીભનો સ્વાદ ચાખવા આતુર બને જ બને…!
આ એવી મોસમ છે જેનો પ્રભાવ જ અપરંપાર ગણાય. કારણ કે નદીઓ સમુદ્રને મળવા દોટ મૂકે છે. હરખાયેલી સ્ત્રી ગર્ભ ધારણ કરવાની કામનાથી પોતાના મનગમતા પુરુષ પાસે પહોંચી જાય છે. આ ઋતુમાં મોર તાતા થૈ…નાચી ઉઠે છે. દરેક ઝાડ, છોડ પુષ્પનાં ઘરેણાં પહેરી યૌવનમાં રાચે છે. ત્યારે પુરુષવિયોગી સ્ત્રીઓ અને સ્ત્રીવિયોગી પુરુષો એકમેકના ધ્યાનમાં ખોવાઈ જાય છે.
-ત્યાં તો અચાનક ઘરની બેલ રણકી. જરા ઝબકી મીરાએ ડેલી તરફ જવા પગ ઉપાડ્‌યા. ડેલી પાસે ઉભી રહી બોલી ઃ ‘ કોણ…? ’
‘ બીજું કોણ હોય…?’-બહારથી અવાજ આવ્યો.
ખટાક કરતાં મીરાએ ડેલી ખોલી. કારણ કે તે અવાજ ઓળખી ગયેલી. બોલી પણ ખરી ઃ ‘ હાય…! કહાન…કેમ છે તું ? ’
‘ તને જોયા પછી, તારા દર્શન થકી હું ખૂબ .?.’ કહાન બોલ્યો. ડેલી બંધ કરતાં કરતાં મીરા બોલી ઃ ‘ કેટલા લાંબા સમયથી તારી વાટ જોતી હતી, કહાન ! આપણે મળ્યા તેને કેટલો સમય થયો ? યાદ છે…? ’
‘ બે વર્ષ પૂરા ંથયાં. મને યાદ છે ઃ અષાઢી બીજને દિવસે ગુરુ ધારણ કરવા શ્યામ આખી રાત મઢીએ રોકાયેલો…સાચુને…?! ’-કહાને ચાલતાં ચાલતાં કહ્યું ને અધવચ્ચે જ મીરાના ભરાવદાર હોઠ પર એક લાંબુ…? …
‘ બહુ ઉતાવળો…’ મીરાથી બોલી જવાયું.
‘ બે વર્ષ થયાં બે…, હવે કેમ રહેવાય ? ’
‘ બે રાત ને બે દિવસ આપણાં હાથમાં જ છે. શ્યામ તો એય ને અમદાવાદમાં…’
‘ માધુરી…, તારું રૂપ હજી તેં
કોલેજકાળ જેવું જ સાચવ્યું છે, સાચું ? ’
‘ મીરા છું ને ?!!- અકબંધ છું, નિચોવાતી નથી જરાય…’
‘ તેં પ્રેમ નિભાવી જાણ્યો મીરા…,હું ખૂબ પ્યાસો છું. ’
‘ આવ, મારા પ્રથમ પ્રેમ ! મારા મિત્ર , દોસ્ત…મેં મારા હાથ ફેલાવ્યા છે, તને હવે તરસ્યો નહીં રાખું. હું તો તારી વાટ અધીરા…’- મીરા માત્ર આટલું જ બોલી શકી. કારણ કે તેનાં શરીર પર મનભાવન ભાર વધી રહ્યો હતો.
-ત્યારે વીજળીના ચમકારા વધ્યા. ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. પવનના સૂસવાટા પણ વધવા લાગ્યા.
-ને, એ સમયે નાનકડા એવા ભગવાનના મંદિરમાં દિવેટીયામાં સળગતી વાટ, ઘી પૂરું થઈ જવાથી ધીમે ધીમે ઓલવાઈ ગઈ.(સમાપ્ત)
આભાર – નિહારીકા રવિયા