(ગતાંકથી આગળ)
સાંજના સાત થયાં. સ્વસ્થ થઈ મીરાએ બોલી દીધું ઃ ‘ હવે ઉતાવળ કરો, સાડા આઠે અમદાવાદની બસ સ્ટેન્ડ પર ગોઠવાઈ જાય છે. હું ભાખરી માંડું છું…’
શ્યામ ઉતાવળો થયો. અલમારીમાંથી બેગ કાઢી જરૂરી કપડાંને બીજી વસ્તુઓ તેણે ભરી લીધી . હાથ-મોં ધોઈ રસોડામાં દાખલ થયો. નાનકડા ડાઈનીંગ ટેબલ સામે બેઠો કે તરત જ મીરાએ થાળી પીરસી. ખીચડી, કઢી, શાક, સંભારો ને દહી બધું જ હતું.
‘ તું પણ બેસી જા, ને …’- શ્યામે કોળિયો મોં માં મુકતા પહેલાં મીરા સામે જોઈ કહ્યું. જવાબમાં મીરાએ ઃ ‘ ના, ના, મને ભૂખ નથી. દીવાબત્તી પણ કરવાના બાકી છે હજી. તમે નિરાંતે જામી લો. તમને બસમાં બેસાડી પછી જ હું જમીશ.’
આવું સાંભળી શ્યામના વિચારતંતુ તરત જ સળવળ્યા ઃ ખરી ભાર્યા ભટકાણી છે. શ્યામ શ્યામ ને શ્યામ સિવાય તેની જીભ પર બીજો શબ્દ નથી. બસ, શ્યામનું સુખ, સેવા, શબ્દો, ચીજ, નોકરી, કપડાં, એવું બધું જ તે કેટલી બારીકાઈથી ધ્યાનમાં લે છે…
મોંમાં કોળિયો મૂકતા શ્યામ મનમાં બબડતો ઃ હું ફક્ત બે દિવસ માટે તને એકલી મૂકી જાઉં છું…મીરા ! એ બે દિવસના વિયોગ વિચારે તેં તારી હાલત કેવી કરી નાખી ? – તું મને કેટલો ચાહે છે…કેટલો પ્રેમ કરે છે ! હેં…,ભગવાન…!
વિચારો હજી આગળ ચાલત પરંતુ આ ક્ષણે મીરાના મોબઈલમાં રિંગ રણકી. રિંગ વાગતા મીરા ત્વરાથી બહાર ચાલી. એ હજી મોબાઈલ પાસે પહોંચે તે પહેલાં જ રિંગ કપાઈ ગઈ. એટલે અધવચ્ચેથી પાછી ફરતા મીરા બોલી ઃ ‘ કંપનીનો ફોન હશે કે પછી મિસ કોલ…’
થોડીવારમાં શ્યામે ખાણું પૂરું કર્યું. સમય ચાલતો હતો, બધું તૈયાર હતું. હાથમાં બેગ લેતા શ્યામે
ટગર ટગર જોઈ રહેલી મીરાને પૂછ્યું ઃ ‘ હવે હું જાઉં…? ’
‘ હા…, તમારા પાકીટનું ધ્યાન રાખજો, બસમાં ઝોલે ચડો તો બેગને બે પગ વચ્ચે દબાવી રાખજો. તબિયત સાચવજો , સવારે દૂધ પી લેજો. તાલીમમાં જાવ ત્યારે નવા કપડાં પહેરજો. બૂટને પોલીશ કરાવી લેજો. જરાય આળસ ન કરતાં…’
‘ ગાંડી…! મને સલાહ ન આપ. તું ફક્ત તારું ધ્યાન રાખજે. બે દિવસ તો હમણાં ચપટી વગાડતા ચાલ્યા જશે. તારી તબિયત સાચવજે. ખોટી ઉપાધિ ન કરતી. ઘરની ડેલી બંધ કરી તાળું મારી દેજે, વાટ જોજે. તાલિમ પૂરી થયે હું ઉડતો આવીશ…સમજી ! ’- બોલતાં શ્યામ ડેલી બહાર નીકળ્યો. મીરા પણ તેની પાછળ ચાલી.
અમદાવાદ જવાની બસ સ્ટેન્ડ પર ગોઠવાયેલી હતી. શ્યામે તેની પોતાની બેઠક પર ગોઠવાઈ બારી બહાર ડોકું કાઢી મીરાને કહ્યું ઃ ‘ આવજે, ચિંતા ન કરતી. મારી વાટ જોજે…બાય, બાય ! ’
બસ ઊપડી. મીરા એકલી પડી. ઘર તરફ જવા તેણે ચાલ ઝડપી કરી. કારણ કે આકાશમાં વાદળો ઘેરાયાં હતાં. ઝીણા ઝીણા છાંટા પડી રહ્યા હતા. ક્યારેક વીજળીના ચમકારા ચકરાતા હતા. મીરાએ ડેલી અંદર પ્રવેશી ઝડપથી ડેલી બંધ કરી હાશકારો અનુભવ્યો.
રૂમમાં દાખલ થતાવેંત મીરાએ મોબાઈલ લઇ કોલ કર્યા, એક બે ને ત્રણવાર. અંતે થાકી , કંટાળીને મોબાઈલ પડતો મૂકી તેણે દીવાબતી કર્યા. દિવેટીયામાં ઝાઝું ઘી પૂર્યું. દિવાસળીથી વાટ પ્રકટાવી. આટલું થયાં પછી એમ જ તે બાથરૂમમાં ઘૂસી ઘણીવાર સુધી ઠંડા પાણીથી નાહતી રહી.
બાથરૂમમાંથી બહાર નીકળી ત્યારે મીરાના ચહેરા પર સ્મિત આળોટતું હતું. તે પ્રફુલ્લિત જણાતી હતી. કોઈ ગીતની ધૂન મંદ સ્વરે તેના મુખમાંથી બહાર નીકળી રહી
હતી. (ક્રમશઃ)