(ગતાંકથી આગળ)
‘ કેમ…? ‘
‘ રૂપાળી પત્નીની ચિંતા દરેક પતિને થાય જ . સમજી માધુરી…? ‘
‘ સારૂ…, તો કરો ચિંતા ! મારું રૂપ માધુરી જેવું હોય કે ન હોય પરંતુ તમારા માટે જ અખંડ છે સમજ્યા…?હા, વધુ વખાણ સારા નહીં. વખાણના ડંખ વધુ મારશો તો ઝેરની વેદના તમારા ભાગે જ આવશે…’- મીરા ગૂઢ બોલી થોડી વાર અટકી. તરત જ વાતનો મૂળ દોર સાંધતા બોલી ઃ ‘બા…ને બોલાવવા કે નહિ તેની ચિંતા મારા પર છોડો. ડર કે ચિંતા જેવું મને લાગશે તો તેડાવી લઈશ.”-જરા શ્વાસ લઇ ફરીથી ઃ ‘ આમેય બે દિવસ માટે થઈ બા…ને હેરાન ક્યાં કરવા ! તેમની ઉંમરનો પણ વિચાર તમે કરો. તમને શું લાગે છે ? ’-વાટ પતા પર ચડાવી મીરા અટકી .
‘ તારી વાત સોળ આની સાચી…’ શ્યામે ગંભીરતાથી કહ્યું ઃ ‘ તું ડરતી નહિ. સાંજ પડે ડેલીને તાળું મારી દેજે. ટી.વી.કે ડી.વી.ડી. ચાલુ કરી સમય આનંદથી વિતાવજે. હા, મારા નામની માળા જપી વાટ જોજે.તને એકલપણાનો જરાય અહેસાસ નહીં થાય…સમજી !
મીરા માટે અત્યારનો સમય કપરો હતો. ત્રણેક દિવસની શ્યામની ગેરહાજરી તેને હચમચાવી મૂકશે તેમ શ્યામને ખુદને વારંવાર થતું.
‘ મીરા, બે જ દિવસની તાલિમ છે. તું ચિંતા ન કરતી. હું ગયો તેવો જ આવ્યો સમજ…! ’ શ્યામ બોલ્યા કરતો. મીરા સાંભળતી પણ હરફ માત્ર ઉચ્ચારતી નહીં. ફક્ત તેની મોટી મોટી આંખો શ્યામના ચહેરાને બસ તાકતી રહેતી એવી એ ક્ષણે તેનું ભીનું ભીનું ચીકણું વદન , નાક-નાસિકા , સમગ્ર અંગાંગ જાણે સૌંદર્યની સીમા વટાવી દેતાં લાગતાં.
મીરા સુંદર હતી…શરીરમાં , રૂપમાં , ગુણમાં , બોલવામાં , ચાલવામાં , હરવામાં , ફરવામાં બધી રીતે ! તેનો નાક-નકશો સૌને ગમે જ ગમે..તેના ગળામાંથી નીકળતા શબ્દો સાંભળવા સૌ તલપાપડ થતા. પ્યારી લાગે તેવી મીરા બોલતી ત્યારે તેના ધ્રૂજતા હોઠ ને મલકતો મલકાટ તેના
ચહેરાની સાન સોળે કળાએ ખીલી ઊઠતી. અત્યંત નિર્દોષ ને નાસમજ એવો ગભરૂ ચહેરો તેનું
વિશેષ આકર્ષણ હતું.
આમ ને આમ સાંજની આરતી થઈ. ઝાલરના ઝણકાર ઝંકૃત થયાં.વાતાવરણમાં અગરબત્તી-ધૂપની સુવાસ પ્રસરી વળી. દીવાસળીની જ્યોતથી પવિત્ર વાટ પ્રજ્વલિત થઈ પ્રકાશ ફેલાવા લાગી. એકાદ મિનિટ નાનકડી ટકોરી વગાડી મીરા શ્યામનું નામ લેવા હાથ જોડી બેસી રહી.
શ્યામ જોઈ રહ્યો.તેની આંખો વાટમાંથી પ્રકટ થતી પવિત્ર જ્યોતને જોઈ રહી અથવા તો ખુદ વાટ ને જોઈ રહી, તે કશું નક્કી ન કરી શક્યો.
મીરાનો ભાવ , મીરાનો પ્યાર તેને મન ભવભવનું બંધન હતું. ઘણા વિચારો શ્યામના દિમાગમાં આવ્યા, પરંતુ ત્યારે તેની નજર તો મીરા પર સ્થિર જ હતી.
મીરા જાણે સાચુકલી શ્યામની મીરા લાગતી હતી. શ્યામમય મીરાના હાથમાં અત્યારે માત્ર એકતારો ન હતો…એટલું જ ! કેવું ભાવિત દ્રશ્ય ! મનોમન હૃદયોર્મિથી એક એવો પ્રેમભાવ પ્રકટ થયો કે આવી ક્ષણે શ્યામની આંખો આપમેળે મીંચાઈ ગઈ.
ને, એ ક્ષણે મીરા તો બે હાથ જોડી મુરલીવાળા માધવના ધ્યાનમાં જાણે મગ્ન હતી. ત્યારે બંધ આંખે શ્યામને વિચાર આવેલો ઃ મીરા અત્યારે શું વિચારતી હશે ? – ખરેખર તે મને…
શ્યામે તેનો વિચાર ફેરવ્યો. શંકાશીલ વિચાર માણસને અધોગતિ તરફ ધકેલે છે. છતાંય તેને અનેક વિચારો ઘેરી વળ્યા. મીરાથી શ્યામની આ સ્થિતિ છાની-માની જોવાઈ રહી હતી. એ ક્ષણે અચાનક શ્યામે મીરા સામે જોયું ને સ્વયં ભોઠો પડ્‌યો શ્યામ…
‘ વળી શાના વિચારમાં ફસાયા ? ’ – નરમાશથી મીરા બોલી.
‘ કઈ નહીં ’ માથું ખંજવાળી શ્યામ બોલ્યો.
‘ હું તમને ઓળખું છું…’
‘ સાચે જ ? ’
‘ ચાર વર્ષ થયાં. તમારા આંગળાના નખ વધ્યા કે નહીં તે તમને ખબર ન હોય પણ મને ખબર
હોય છે. ’
‘ સાવ સાચું. ’
‘ તો બોલો , શું વિચારતા હતા ? ’
‘બસ એ જ , આંગળાથી નખ વેગળા તે વેગળા જ…’
‘ આવું કેમ બોલો છો ? ’
‘ જો ને , સત્ય જ છે ને …! ’
‘ શું …?’
‘ આંગળા સાથે નખ જોડાયેલા હોય પણ અગ્ર ભાગ તદ્દન નિર્જીવ, કાપી નાખીએ તો ચાલે. પણ જીવતો નખ ન કપાય… સમજ્યા ? ’
‘ હવે સમજી, હું નખ છું પણ જીવતો નખ ! ’
‘ એટલે …?’ – આશ્ચર્ય સાથે આંખો પહોળી કરી મીરા બોલી.
‘ એ જ કે મારામાં જીવ હશે ત્યાં સુધી , અંતિમ શ્વાસ સુધી હું તને ચાહ્યા કરીશ, જીવતા નખની જેમ. જરા કપાતા દર્દ વધશે તો પણ ચાહીશ. તું મારી છે, સાવ જ આખે આખી મારી…’ આટલું બોલતાં શ્યામની આંખો ભીની બની.(ક્રમશઃ)
આભાર – નિહારીકા રવિયા