પંજાબના અમૃતસરમાં વાઘા બોર્ડરની જેમ રાજસ્થાનના જેસલમેરની બોર્ડર પર પણ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. ભારતીય સીમા સુરક્ષા દળે આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેસલમેર બોર્ડર પર સ્થીત તનોટ માતાના મંદિરમાં રીટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આવતા વર્ષની શરૂઆતમાં તેને શરૂ કરવાની યોજના છે. અહીં આવનારા પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા પુરી પાડવામાં આવશે.
રિટ્રીટ સેરેમની નિહાળવા આવતા પ્રવાસીઓ માટે અહીં એમ્ફી થિયેટર બનાવવામાં આવશે, જેનું કામ શરૂ થઈ ગયું છે. આ થિયેટરમાં ૧૦૦૦ થી વધુ લોકો બેસી શકશે. દરરોજ સાંજે બીએસએફ જવાનો દ્વારા પરેડ થશે. બીએસએફના જવાનો ઔપચારિક રીતે Âત્રરંગો નીચે ઉતારશે. આ સાથે કેમલ ફોર્સનો શો, બીએસએફના સુરક્ષા કાફલામાં સમાવિષ્ટ રણ જહાજ અને જે સતર્કતા સાથે સરહદની રક્ષા કરે છે તેવા અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
પાકિસ્તાન પણ વાઘા બોર્ડરની રીટ્રીટ સેરેમનીમાં ભાગ લે છે. પરંતુ પાકિસ્તાની રેન્જર્સ પશ્ચિમ સરહદે તનોટ માતાના મંદિરમાં આયોજિત રિટ્રીટ સેરેમનીમાં ભાગ લેશે નહીં. આ રીટ્રીટ સેરેમનીનું આયોજન ભારતીય સેના દ્વારા જ કરવામાં આવશે. રીટ્રીટ સેરેમની સાથે અહીં હથિયારોની ગેલેરીની સ્થાપના કરવામાં આવશે. આ સાથે શહીદ વોલ, મ્યુરલ વોલ, ચિલ્ડ્રન રિક્રિએશન એરિયા, ઈન્ટરએક્શન એરિયા, ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ અને સ્ટેજ લાઈટો પણ લગાવવામાં આવશે. પ્રવાસીઓ માટે ફૂડ કોર્ટ, સર્વેલન્સ સિસ્ટમ વગેરે જેવી ઘણી સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવશે. તનોટ માતાનું મંદિર પાકિસ્તાન બોર્ડરથી માત્ર ૨૦ કિલોમીટર દૂર છે.
કેન્દ્ર સરકાર સરહદી પ્રવાસનને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ અંતર્ગત વર્ષ ૨૦૨૧માં તનોટથી ૨૦ કિલોમીટર આગળ ભારત-પાકિસ્તાન બોર્ડર પર બબલિયન પોસ્ટ પર રિટ્રીટ સેરેમનીની તૈયારીઓ કરવામાં આવી હતી. અહીં ટાવર, સેલ્ફી પોઈન્ટ જેવી સુવિધાઓ ધીમે ધીમે પછીથી વિકસાવવામાં આવી. આ બોર્ડર પોસ્ટને જાવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ સાથે તનોટ માતા મંદિરથી થોડાક કિલોમીટર પહેલા લોંગેવાલા યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં ૧૯૭૧ના યુદ્ધની યાદમાં સમગ્ર યુદ્ધનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ સાથે જ જ્યાંથી લડાઈ થઈ હતી ત્યાં ભારતીય અને પાકિસ્તાની ટેન્કરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. હવે તનોટ માતાના મંદિરે રીટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.