અમરેલી તાલુકાના વાંકિયા ગામે થોડા દિવસ પહેલા મુકેશભાઈ કુકવાવા નામના યુવક પર તેમના ઘરે જ આદમખોર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં મુકેશભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું છતાં દીપડો ઝડપાયો ન હતો. ત્યારે ગઈકાલે ફરી એક વખત બપોરના સમયે આદમખોર દીપડાએ ગામમાં પ્રવેશ કર્યો હતો અને કૂતરાઓ ઉપર તરાપ મારી હતી.
બપોરના સમયે ગ્રામજનો આવી જતા દીપડો ફરી વખત ઝાડીમાં પલાયન થઈ ગયો હતો. દીપડાના કારણે ખેડૂતો અને મજૂરો ખેતીવાડીએ જતા પણ ડરી રહ્યા છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા પણ વાંકિયા ગામે દોડી ગયા હતા અને ઘાયલ વ્યક્તિને મળી ખબરઅંતર પૂછ્યા હતા.
વન વિભાગ દ્વારા એક કરતાં વધુ પાંજરાઓ ગોઠવી તાત્કાલિક દીપડાને પકડવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.