દલપતરામને એમના એ જૂના જમાનાની પ્રતિભા અને એક સર્વોત્તમ માનવહૃદય તરીકે જુઓ તો અદ્વિતીય છે. એમણે તત્કાલીન સમાજની અનેક કહેવાતી હોશિયારીને નિશાનમાં લીધેલી છે. બીજાનો વાંક જોવો અને ઉચ્ચારવો એ એક મોટું દૂષણ અને અભિમાનનું પ્રદર્શન છે. જો કે શાસ્ત્રોએ તો સ્પષ્ટ કહ્યું છે કે મૂર્ખ લોકોના વચનો સહન કરે એ સંત છે. પરંતુ હવે સાવ કંઈ એવું નથી કે વાંકદેખાઓને તમે મૂર્ખ કહી શકો. જેમની પોતાની સમજણ પૂરી વિકસી ન હોય તેઓ તો પોતાની ટીકાથી ભડકી ઉઠે. ભલભલા વિદ્વાનો પણ ટીકા સાંભળીને નિરુત્સાહી થતા જોવા મળે છે. ટીકાને કારણે મોટા મનોરથો પડતા મૂકનારા લોકો પણ બહુ હોય છે. એક વર્ગ એવો છે કે એ ટીકા અને ટીકાકાર બન્નેને ગણકારતો નથી. પરંતુ ટીકા એમ કંઈ જલ્દી વિલુપ્ત પણ થતી નથી.
દલપતરામે ટીકાકારની ટીકા કરી છે. એમની એ રચના પર પંચતંત્રનો એટલો પ્રભાવ છે કે કથયિતવ્ય માટે એમણે પ્રાણીઓની સુંદર પાત્રસૃષ્ટિ ઊભી કરી છે. પણ ચોતરફ મનુષ્યના લક્ષણોની જ છાલક છે. સહુને ઊંટ પર હસવાની મઝા પડે છે કારણ કે જેના પોતાના અઢારેય અંગ વાંકા છે એ ઊંટ સ્વદર્શન વીસરી જઈને અન્યોના દોષનું ઉદગાન કરવામાં આનંદ લે છે. આમાં દલપતધર્મ એ છે કે બીજાના એકાદ દોષની જગતને જાણ કરવાનો ઉત્સાહ આપણામાં પ્રગટે ત્યારે સ્વયંના અષ્ટાદષ દોષનું પ્રથમ ગાન કરવું.
દલપતરામે આ રચનામાં ભાવકને એકદોષી વાંકી ચાંચનો પોપટ ધાર્યો નથી. કે એવા કોઈ એકદોષી પાત્રમાં મનેખ ઢાળ્યા નથી. આમાં ખરેખર તો દરેકને ઊંટ હોવાનું પ્રમાણપત્ર આપવામાં કવિને રસ છે અને એ પ્રમાણિતતા સ્વકલ્યાણાર્થે સ્વીકારી લેવા જેવી છે. કારણ કે એકવાર પોતાના દોષ તરફ ધ્યાન જશે તો બીજાઓની ટીકા કરવામાં વેડફાતો સમય બચશે અને એ જ સમયને સ્વદોષ ધોવામાં કામે લગાડી શકાશે.
કવિનો હેતુ આપણને ગુલાબ જોતાં કરવાનો છે. કારણ કે કાંટા જોઈ જોઈને આંખો થાકી ગઈ છે. પરંતુ ગુલાબ દર્શન માટે પ્રથમ કાંટાને પડતા મૂકવાના છે. માણસનું મને ચાહે છે ગુલાબ પણ એનો હાથ સીધો કાંટો જ પકડે છે. બીજાના દોષના ઢોલ વગાડતી વેળાએ આપણે એમ માનતા હોઈએ છીએ કે એ દોષ મારામાં તો નથી. એટલે પરનિંદાને આપણે સ્વસ્તુતિ માનીને ચાલીએ છીએ. એટલે જ નિંદારસ એ અભિમાનીઓએ બનાવેલું એક શરાબઘર છે. જે ખુદ અભિમાની નથી એને કોઈનીય ટીકા કરવામાં રસ નથી. આ મહામોહક જિંદગીમાં કોઈના દોષ જોઈને પોતાની જ આંખમાં ધૂળ નાંખવી એના બદલે પહાડો, નદીઓ અને રંગ બદલતા આકાશને જ ન જોઈએ !
હવે આ જે નવો વેબ સિરિઝ યુગ શરૂ થયો છે એણે વ્યક્તિમત્તાને અધિક પ્રોત્સાહન આપ્યું છે. એટલે એ એક શુભ સંકેત પણ છે કે નવી પેઢીને બીજાઓની કોઈ પણ વાતમાં અકારણ રસ નથી. નવી પેઢીને એ ખબર પડી ગઈ છે કે અનંતવાર આ પૃથ્વી પર જન્મ લઈએ તો પણ વસુંધરાના સૌન્દર્યને પૂર્ણતઃ માણી લેવાય એમ નથી. તો શા માટે કુદરતના ખોળે રમવાનું પડતું મૂકીને વળી એ પારકી પંચાતમાં પડવું ? શિયાળના મુખમાં કવિએ પંક્તિ મૂકીને ઊંટને કહ્યું છે કે હે વક્રાધિપતિ, આપના તો અઢારેય અંગ વાંકા છે…!
એમાં આપણે એમ નથી સમજવાનું કે ઊંટના અઢાર વાંકા છે. આ વાત તો આપડી છે કંઈ ઊંટની તો નથી. એટલે અન્યનું તો એક વાંકુ ને આપણા જ અઢાર વાંકા છે એમ સમજવાનું ને મન માને તો સ્વીકારવાનું છે. એનાથી શાન્તિ જ પ્રાપ્ત થવાની છે. ઊંટમાં જે બાહ્યસ્વરૂપ છે એ જ આપણું આંતરરૂપ હોઈ શકે છે એ તરફ દલપતરામે ધ્યાન દોર્યું છે અને એવું ન હોય તો બહુ સારી વાત છે.
ગીતામાં દૈવાસૂરસંપત્તિવિભાગ યોગ છે. એમાં દેવત્વના એટલે કે મનુષ્યમાં સંભવ એવા જે સોળ ગુણનો સંપુટ છે એ જેનામાં વિદ્યમાન હોય એ જ ઊંટત્વથી મુક્ત હોઈ શકે. એટલે દલપતરામ તો એટલું જ કહે છે કે ઊંટ એ આપણા ભીતરી રૂપનું બિંબ ન બની જાય એ જોજો. સાચવજો. પૂરા નહિ તો અરધા ઊંટ હોઈએ તોય જિંદગી હાથમાંથી સરી જાય છે. નિંદા ન કરે કેની રે… નરસૈંયો કહે કે કોઈનીય નિંદા ન કરે એ વૈષ્ણવ છે. પણ અઘરું છે.
મધ, કેરી અને સાકરથીય મધુર નિંદારસ છે. લોકોને એમાં એટલી બધી મઝા પડતી હોય છે કે ઉછળી ઉછળીને બીજાનો ઉપહાસ કરે છે. ટોળકી બનાવીને બેઠા હોય તો નિંદાના વેલા હાલ્યા જાય છે. એક જણ કંઈક વાટે, ને પછી એમાં કોઈ મીઠુ તો કોઈ મરચુ એમ વઘાર આગળ ચલાવે છે. એવી એ જામી ગયેલી ટોળકી જ્યારે મસ્ત હોય છે ત્યારે ત્યાં એકાએક દલપતરામ પ્રગટ થાય છે ને કહે છે કે આપણા તો અઢાર વાંકા નથી ને ? જરા જોઈ લેજો.