સરખેજ-જુહાપુરા વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી જમીનો પચાવી પાડનાર કુખ્યાત નઝીર વોરા, કાલુ ગરદન અને સુલતાન ખાન પઠાણ બાદ પોલીસે વહાબ ગેંગના સાગરિત અહેમદ મંડલી વિરુધ્ધ પણ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. અહેમદ મંડલીએ ખેડૂતો સાથે મળીને સરકારી જમીન પચાવી પાડી તેના ઉપર ગેર કાયદેસર રીતે કે.ડી.ફાર્મ બનાવી દીધું હતું. મકરબાના રેવન્યુ તલાવી આદિત્ય ઠક્કરે સરખેજ પોલીસ સ્ટેશનમાં વધુ ૨ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. જેમાંથી એક ફરિયાદમાં આરોપી તરીકે વહાબ ગેંગના સાગરિત અહેમદ મંડલી સહિત ૧૦ લોકો સામે ગુનો નોંધાયો છે.
આરોપીઓએ સરકારી પડતર જમીન ઉપર કે.ડી.ફાર્મ બનાવ્યું હતું, આટલું જ નહીં રૂ.૨૦ કરોડની કિંમતની સરકારી પડતર જમીન પચાવી પાડવા માટે કોર્ટમાં પણ ખોટું લિટિગેશન ઊભું કર્યું હતું. જેથી સરખેજ પોલીસે મુખ્ય આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પચાવી પાડેલી જમીનની કિંમત ૮૦ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ગુનામાં પકડાયેલો આરોપી અહેમદ મંડલી અનેક ગુનાઓમાં સામેલ હોવાનું ખુલતા સરખેજ પોલીસે તેનો ગુનાહિત ઇતિહાસ જોણવા તજવીજ હાથ ધરી છે. ત્યારે અન્ય લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં ૩૩ લોકો સામે ગુનો નોંધાયો છે. જે આરોપીઓએ મકરબામાં સરકારી પડતર જમીન પર કબ્જા કરી બાંધકામ કરીને આ જમીન પચાવી પાડવા કોર્ટમાં ખોટા લિટીગેશન કર્યા હતા.
મહત્વનું છે કે હાલમાં જ સરખેજ પોલીસે સરખેજ રોઝા ટ્રસ્ટની જમીન પચાવી પાડનાર સરફરાજની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે ત્યારે વધુ બે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અંતર્ગત નોંધાયેલી ફરિયાદમાં સામે ૪૨ આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટિમો બનાવી છે.