રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે વસ્તી નિયંત્રણ નીતિઓ અને સમાન નાગરિક સંહિતાને લાગુ કરવા માટે જાહેર સહયોગ અને લાંબા ગાળાની વિચારસરણી જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે જાતિ આધારિત રાજકારણ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે સમાજ પોતે જાતિ ઓળખથી ઉપર ઉઠશે.
મૈસુરમાં “રાષ્ટ્રીય વિકાસમાં સામાજિક સુમેળની ભૂમિકા” વિષય પર વ્યાખ્યાન પછી સંવાદમાં બોલતા આરએસએસ વડાએ કહ્યું કે સમાજમાં ધર્મો અને સમુદાયો વચ્ચે સુમેળ હોવો જાઈએ. તેમણે લોકોને નારા લગાવવાને બદલે સમાનતાનું પાલન કરવાની અપીલ કરી.
ભાગવતે કહ્યું કે સમાજ જાતિને યાદ રાખે છે, તેથી રાજકારણીઓ તેનો લાભ લે છે. તેમનો હેતુ મત મેળવવાનો છે. જ્યારે તેમને કામગીરીના આધારે મત મળતા નથી, ત્યારે તેઓ જાતિના આધારે મત માંગે છે.
વસ્તી નિયંત્રણ બિલ અને યુસીસી વિશેના પ્રશ્નોના જવાબમાં ભાગવતે કહ્યું કે આરએસએસ સરકાર નથી, પરંતુ એક સામાજિક સંગઠન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ કાયદો ત્યારે જ સફળ થઈ શકે છે જા જનતા તેને સમર્થન આપે.
તેમણે કહ્યું, “પ્રથમ, લોકોને જાગૃત કરવા મહત્વપૂર્ણ છે. નીતિ જરૂરી છે, પરંતુ તે ફક્ત જાહેર સમર્થનથી જ સફળ થઈ શકે છે.” કટોકટી દરમિયાન અપનાવવામાં આવેલા વસ્તી નિયંત્રણ પગલાંનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે આ નીતિઓના કડક અમલીકરણથી લોકોમાં રોષ અને રાજકીય વિરોધ થયો હતો.