ધરમપુર તાલુકાના સરહદી ગામોમાં છેલ્લા બે દિવસથી સતત ધરતીકંપના આંચકા નોંધાઈ રહ્યા છે, જેના કારણે ગ્રામીણ કક્ષાએ લોકોમાં ભયનું વાતાવરણ છે. ગુરૂવારના રોજ ધરમપુરના ઉગતા ગામે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાની આસપાસના અસરામાં આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો.
ધરમપુરથી ૪૬ કિલોમીટર દૂર આવેલા નડગધરી અને બોપી જાગીરી જેવા ગામોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. અચાનક આવેલા આંચકાના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધરમપુરથી ૪૬ કિલોમીટર દૂર ખાટા આંબા નજીક જમીનમાં ૧૧ કિલોમીટર ઊંડે હોવાનું નોંધવામાં આવ્યું છે.
ભૂકંપના આંચકાના પગલે લોકોમાં ભયનું વાતાવરણ છે, તો ગ્રામીણ કક્ષાએ રહેતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. કેટલીક સેકન્ડો માટે આવેલા ભૂકંપના આંચકાને પગલે કોઈ જાનહાનિની ઘટના બની નથી. ધરમપુરના બોર્ડર વિલેજના નડગધરી, બોપી જાગીરી, હનમત માળ, ખાડા, ઉગતા જેવા અનેક ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં ધરમપુરથી ૪૬ કિલોમીટર દૂર આવેલા ખાટા આંબા ગામ નજીક જમીનમાં ૧૧ કિલોમીટર ઊંડે ધરતીકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગની સરકારી વેબસાઈટ પર પણ નોંધ લેવામાં આવી છે. આ ભૂકંપ ૨.૯ ની તીવ્રતાનો આંકવામાં આવ્યો છે. સમય અંદાજિત ૮.૦૨ કલાક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
નડગધરી ગામના અગ્રણી દિનેશભાઈ ભોંયાએ વાતચીત કરતા જણાવ્યું કે, તેમના વિસ્તારમાં અને ફળિયાના લોકોના તેમના પર ફોન આવ્યા હતા. અચાનક આવેલા ધરતીકંપને લઈને લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. આ ધરતીકંપના સમયે લોકો ઘરમાં પોતાનું કામ કરી રહ્યા હતા, તો કેટલીક મહિલાઓ રસોડામાં રસોઈ બનાવી રહી હતી. ધરતીકંપ આવતા જ લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.