વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર વરસાદ વરસાવવાની શરૂઆત કરી હતી. વહેલી સવાર સુધી સતત ધોધમાર વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ખાસ કરીને વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વરસાદની તીવ્રતા એટલી વધારે હતી કે અનેક માર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી.
વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમના આંકડા મુજબ સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં સમગ્ર જિલ્લામાં કુલ ૩૮૬ મિલીમીટર એટલે કે અંદાજે ૧૫.૨૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ટૂંકા સમયમાં આટલો ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને અનેક સ્થળોએ વાહનવ્યવહારને અસર પહોંચી છે.
જિલ્લાના તાલુકાવાર વરસાદના આંકડા પર નજર કરીએ તો વલસાડ તાલુકામાં સૌથી વધુ ૧૫૫ મિલીમીટર એટલે કે આશરે ૬.૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધરમપુર તાલુકામાં ૨૨ મિલીમીટર (૦.૮૭ ઇંચ), પારડી તાલુકામાં ૫૪ મિલીમીટર (૨.૧૩ ઇંચ), કપરાડા તાલુકામાં ૪૬ મિલીમીટર (૧.૮૧ ઇંચ), ઉમરગામ તાલુકામાં ૧૭ મિલીમીટર (૦.૬૭ ઇંચ), વાપી તાલુકામાં ૪૨ મિલીમીટર (૧.૬૫ ઇંચ) અને નાનાપોઢા તાલુકામાં ૫૨ મિલીમીટર (૨.૦૫ ઇંચ) વરસાદ નોંધાયો છે. બે કલાકમાં નોંધાયેલા આ વરસાદે ચોમાસાની તીવ્રતા સ્પષ્ટ કરી છે.
વલસાડ શહેરના છીપવાડ ઘરનાળા સહિત એમ.જી. રોડ, તિથલ રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ ઘરો અને દુકાનોની બહાર પાણી ભરાઈ જતાં દૈનિક જીવન પર સીધી અસર જાવા મળી રહી છે.
વરસાદી પાણીનો સ્તર સતત વધતા વલસાડ શહેરના કેટલાક રેલવે અન્ડરપાસોમાં પાણી ભરાઈ જતાં સલામતીના કારણોસર તેમને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે. અન્ડરપાસ બંધ થતાં વાહનચાલકોને લાંબા અંતરનો ચક્કર મારીને પોતાના ગંતવ્ય સુધી પહોંચવું પડી રહ્યું છે. અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાતા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ધોધમાર વરસાદના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી જાવા મળી હતી. કેટલાક સ્થળોએ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બે-ચક્રી વાહનચાલકો માટે પસાર થવું જાખમી બની ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનો ધીમી ગતિએ ચાલતા જાવા મળ્યા હતા, જ્યારે કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર અંશતઃ ખોરવાયો હતો.
વહેલી સવારે ભારે વરસાદ વચ્ચે શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ નોકરી-ધંધા માટે બહાર નીકળેલા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવામાં લોકોને મુશ્કેલી પડી હતી. સતત વરસતા વરસાદને કારણે છત્રી અને રેઇનકોટ હોવા છતાં લોકો સંપૂર્ણપણે પલળી ગયા હતા. જાહેર પરિવહન સેવાઓ પણ વરસાદની અસર હેઠળ ધીમી બનતા મુસાફરોને રાહ જાવી પડી હતી.
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ એલર્ટ મોડ પર કાર્યરત બન્યા છે. નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા તેમજ હવામાન વિભાગ અને જિલ્લા પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જા આગામી કલાકોમાં પણ ભારે વરસાદ યથાવત્ રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વચ્ચે સમગ્ર વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.