દેશમાં ખંડણી અને અપહરણની દુનિયામાં લોરેન્સ બિસ્નોઈ ગેંગની ધાક છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં લોરેન્સ બિસ્નોઈ, ગોલ્ડી બ્રાર અને વિરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણાની ધાક છે. જાકે, લોરેન્સ બિસ્નોઈ હાલ તિહાર જેલમાં છે અને ગોલ્ડી બ્રાર કેનેડામાં રહીને ખંડણી અને અપહરણનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે. આ દરમિયાન આ ગેંગનો માત્ર ૧૮ વર્ષની ઉંમરનો એક ખૂંખાર શાર્પ શૂટર વાપીમાંથી ઝડપાયો છે. વલસાડ એસઓજીની ટીમે પુણેમાં ફાયરિંગ કરી રાજસ્થાન તરફ ફરાર થતાં આરોપીને એક પિસ્તોલ અને પાંચ જીવંત કારતૂસ સાથે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.
ધરપકડ કરવામાં આવેલો લબરમૂછિયાની ઉંમર હજી થોડા દિવસ પહેલા જ ૧૮ વર્ષની થઈ છે. જાકે, પુક્ત વયની ઉંમર પહેલાં જ તેણે ગુનાઓના દુનિયામાં પી.એચ.ડી. કરી લીધી છે. દેશની જાણીતી લોરેન્સ બિસ્નોઈ ગેંગનો શાર્પ શૂટર અભિષેક ઉર્ફે પપ્પુ ઉર્ફે સોનુ દિલીપભાઈ કોળી મહારાષ્ટ્રના પુણે વિસ્તારના ઘોડે ગાવનો વતની છે.
વાપી એસઓજીની ટીમને બાતમી મળી હતી કે દેશમાં અપહરણ અને ખંડણીના કેસોમાં ભારે કુખ્યાત લોરેન્સ બિસ્નોઈ ગેંગનો એક શાર્પ શૂટર વાપી પાસે પસાર થતી એક લક્ઝરી બસમાંથી પસાર થઇ રહ્યો છે. વાપી એસઓજીની ટીમે પૂણેથી ગુજરાત તરફ આવતી ટ્રાવેલ્સમાં તપાસ કરતાં આરોપી અભિષેક કોળી ઝડપાઈ ગયો હતો.
અભિષેક પાસેથી વિદેશી પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ તથા એક ખાલી મેગેઝીન પણ મળી આવી છે. ઝડપાયેલા આરોપી હજી થોડા સમય પહેલાં પુખ્ત વયનો થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે સગીરવયની ઉંમરમાં જ આરોપી અભિષેકે ત્રણ મોટા ગુનાઓને અંજામ આપ્યા હતા.
અભિષેક ઉત્તર ભારતના અલગ-અલગ વિસ્તારમાં ફાયરિંગ કરી કરોડોની ખંડણી માગતો હતો અને આ મોટી રકમમાંથી તેને ૧૫ ટકા કમિશન પેટે મળતા હતા . ચોંકાવનારી બાબત એ છે કે આ ગેંગનો મુખ્ય માસ્ટર માઈન્ડ લોરેન્સ બિસ્નોઈ હજુ પણ તિહાર જેલમાં છે અને જેલમાં રહીને તેના મુખ્ય સાથી ગોલ્ડી બ્રાર અને વિરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણાની મદદથી દેશના મોટા ફાયનાન્સર ઉદ્યોગપતિ અને વેપારીઓને વર્ચ્યુલ કોલ કરી ખંડણી તથા ધમકીઓ આપે છે. જા કોઈ ખંડણી ન આપે તો અભિષેક જેવા શાર્પ શૂટરની મદદથી તેના પર ફાયરિંગ કરાવે છે અને બાદમાં પૈસા પડાવે છે.
તાજેતરમાં જ અભિષેક પુણેમાં ફાયરિંગ કરીને ફરાર થયો હતો અને ખાનગી લક્ઝરી દ્વારા રાજસ્થાન જવાની પેરવીમાં હતો. આ દરમિયાન તે
વાપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. લોરેન્સ બિસ્નોઈ ગેંગની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ છે કે તેઓ ૧૬થી ૧૭ વર્ષના સગીરોને પોતાની ગેંગમાં સામેલ કરે છે અને ફાયરિંગ અને ખંડણીના કામ માટે તેમનો ઉપયોગ કરે છે. જા ભૂલેચૂકે આરોપી ઝડપાઈ જાય તો તેઓ સગીર હોવાથી થોડા સમયમાં જ જેલમાંથી છૂટી જતા હોય છે. ઝડપાયેલા આરોપી અભિષેક સગીર વયની ઉંમરમાં ત્રણ મોટા ગુનાઓને અંજામ આપ્યો હતો અને તે બે જેટલા ગુનામાં વોન્ટેડ હતો.
અગાઉ ત્રણ મોટો ગુનામાં ઝડપાયેલો આરોપી સગીર હોવાથી છૂટી ગયો હતો. તાજેતરમાં જ તેણે ૧૮ વર્ષની વય વટાવી દીધી હોવાથી હવે તે કાયદાની ચુંગાલમાં ફસાયો છે. વલસાડ પોલીસે અભિષેક વિરુદ્ધ કડકમાં કડક કાયદાઓની કલમ લગાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.