વલસાડ જિલ્લાના રોલા ગ્રામ પંચાયત ખાતે વિકાસ કામોના નાણાંમાં ગેરરીતિ અને બોગસ સહી દ્વારા સરકારી રકમ ઉપાડવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, મહિલા સરપંચની ગેરહાજરીમાં તેમની નકલી સહી કરીને સરકારી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્થાનિક લોકોનો આરોપ છે કે ડેપ્યુટી સરપંચ અને કેટલાક વગદાર સભ્યોએ મળીને આ સમગ્ર કારસ્તાન રચ્યું છે. તેઓએ સરપંચની ગેરહાજરીનો લાભ લઈ વિકાસ કામોના નામે નાણાં ઉપાડ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
ગ્રામજનોનું કહેવું છે કે આ સમગ્ર પ્રકરણમાં નકલી સહીનો ઉપયોગ કરીને સરકારી રકમની ઉચાપત કરવામાં આવી છે, જે ગ્રામ પંચાયતના વહીવટમાં ગંભીર ગેરરીતિ દર્શાવે છે.
આ મામલો બહાર આવતા ગામમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે વિકાસ કામોના નામે સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે. તેઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને સઘન તપાસ કરવાની માંગ ઉઠાવી છે.
આક્ષેપોને લઈને ગ્રામજનોએ દેશના પ્રધાનમંત્રી કાર્યાલય રાજ્યપાલ તેમજ એન્ટી કરપ્શન બ્યુરો સુધી ફરિયાદ કરી છે. ઉપરાંત વલસાડ જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપીને સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
ગ્રામજનોનું કહેવું છે કે જા આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી થવી જાઈએ. ગ્રામજનોની માંગ છે કે સમગ્ર કેસની પારદર્શક તપાસ કરીને દોષિતો સામે ગુનો નોંધવામાં આવે અને સરકારી નાણાંના દુરુપયોગ પર રોક લગાવવામાં આવે. હવે આ મામલે તંત્ર શું પગલાં લે છે અને તપાસમાં શું સત્ય બહાર આવે છે તેની પર સૌની નજર છે.