દેશભરમાંથી બાળકો ગુમ થવાનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીની આર્થિક અસરને કારણે પણ અનેક બાળકો ગુમ થયા છે. એનજીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલા સરકારી આંકડા મુજબ વર્ષ ૨૦૨૦માં દેશભરમાંથી ૫૯,૨૬૨ બાળકો ગુમ થયા હતા. જ્યારે અગાઉના વર્ષોમાં ગુમ થયેલા બાળકોમાંથી ૪૮,૯૭૨ જેટલા બાળકો હજુ પણ નથી મળી શક્યા. જેથી કુલ ગુમ બાળકોની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઇ છે.
એનજીઓનું કહેવુ છે કે કોરોના મહામારી બાદ જે આર્થિકસ્થિતિ નબળી પડી તે દરમિયાન પણ અનેક બાળકો ગુમ થયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના તાજેતરના આંકડા મુજબ વર્ષ ૨૦૨૦માં દેશભરમાં ૫૯,૨૬૨ બાળકો ગુમ થયા હતા જ્યારે અગાઉના ગુમ થયેલા બાળકોમાંથી ૪૮,૯૭૨ બાળકો હજુ પણ નથી શોધી શકાયા.
દેશભરમાં ગુમ બાળકોની કુલ સંખ્યા વધીને હવે ૧,૦૮,૨૩૪એ પહોંચી ગઇ છે. વર્ષ ૨૦૦૮થી ૨૦૨૦ દરમિયાન જે પણ ગુમ બાળકોની સંખ્યા છે તેમાં આ સમયગાળા દરમિયાન ૧૩ ગણો વધારો થયો છે. જેમ કે વર્ષ ૨૦૦૮માં ગુમ બાળકોની સંખ્યા ૭૬૫૦ હતી જે હવે એક લાખ સુધી પહોંચી ગઇ છે. કૈલાસ સત્યાર્થીની બાળકો માટે કામ કરતી સંસ્થાએ દેશભરમાંથી ૧૨૦૦૦ બાળકોને રેસ્ક્યૂ કર્યા હતા. આ આંકડા જણાવે છે કે કોરોના મહામારી પછી દેશભરમાં બાળ તસ્કરીનું પ્રમાણ વધ્યું છે.
જ્યારે રાજ્યો પર નજર કરીએ તો ચાઇલ્ડ રાઇટ્‌સ એન્ડ યુ નામની સંખ્યા દ્વારા આરટીઆઇથી પ્રાપ્ત કરાયેલા આંકડા મુજબ મધ્ય પ્રદેશમાં દરરોજ સરેરાશ ૨૯ બાળકો ગુમ થાય છે. જ્યારે રાજસ્થાનમાં આ આંકડો ૧૪ છે. સંસ્થાઓનું કહેવુ છ ેકે કેટલાક બાળકોને તેમના માતા પિતાની અનુમતીથી જ વેચી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૨૦માં દેશમાં કોરોના મહામારીને કારણે ચાર મહિના સુધી લોકડાઉન રહ્યું તેમ છતા આ વર્ષે ૫૯,૨૬૨ બાળકો ગુમ થયા જેમાં ૧૩૫૬૬ બાળકો અને ૪૫,૬૮૭ બાળકીઓનો સમાવેશ થાય છે. એટલે કે બાળકની સરખામણીએ બાળકીઓ વધુ ગુમ થઇ છે. કોરોના મહામારી દરમિયાન તસ્કરોએ માસ્ક પહેર્યા હોવાથી પણ તેમની ઓળખ કરવામાં ભારે મુશ્કેલી પડી હતી. હાલ એનજીઓની માગણી છે કે ગ્રામ્ય સ્તરે ગુમ બાળકોની રિપોર્ટ અને તપાસ માટે કમિટીઓની રચના કરવી જાઇએ.