યુનેસ્કોએ મેટ્રો સિટી અમદાવાદને વર્લ્‌ડ હેરિટેજનો દરજજો આપ્યો છે,ઐતિહાસિક શહેરને જોવા અનેક પ્રવાસીઓ દેશ-વિદેશથી આવે છે એમાં પણ અમદાવાદની શાન એવી સિદી સૈયદની જોળી જગ વિખ્યાત પામેલી છે તેને જોવા માટે અનેક દેશના રાષ્ટ્રપતિ સહિત રાજકીય નેતાઓ આવે છે જેના લીધે આ હેરિટેજને વિકસાવવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો છે.
અમદાવાદ શહેર વર્લ્‌ડ હેરિટેજ સિટીનો દરજ્જા ધરાવે છે. શહેરના લાલ દરવાજો વિસ્તારમાં આવેલી સિદી સૈયદની જોળી આખા જગમાં વિખ્યાત છે. દેશ-વિદેશના લોકો અને અનેક દેશના રાષ્ટ્રપતિથી લઈ મહાનુભાવો સિદી સૈયદની જોળી જોવા માટે અમદાવાદ આવી ચૂક્યા છે, ત્યારે ૪૫૦ વર્ષથી વધુ જૂની સિદી સૈયદની જોળીનો પ્રવેશ દ્વાર બદલવામાં આવશે. સિદી સૈયદની જોળીને અડીને આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગાર્ડન ડેવલપ પણ કરવામાં આવશે. આમ રૂ.૨ કરોડના ખર્ચે વર્લ્‌ડ હેરિટેજ સ્મારક સિદી સૈયદની જોળી અને તેના આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન રાજેશ દવે કહ્યું હતું કે, અમદાવાદ શહેરની ઓળખ અને વર્લ્‌ડ હેરિટેજ સ્મારક સિદી સૈયદની જોળીને જોવા માટે દેશ-વિદેશથી અનેક લોકો આવતા હોય છે. પ્રવાસીઓ સિદી સૈયદની જોળી જોવા આવે ત્યારે જો મસ્જિદમાં નમાજનો સમય થયો હોય તો પ્રવાસીઓને બહાર ઊભું રહેવું પડે છે. મહિલાઓ અંદર સુધી જઈ શકતી નથી, જેના કારણે સિદી સૈયદની જોળી નજીકથી જોવા મળતી નથી. આ પ્રકારની કેટલીક બાબતો ધ્યાને આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિદી સૈયદની જોળી લોકો વ્યવસ્થિત રીતે જોઈ શકે તેના માટે આસપાસના વિસ્તારને વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.