સિંગાપોરથી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરેલા ડી ગુકેશના સ્વાગત માટે સોમવારે સવારે ચેન્નાઈ એરપોર્ટ પર હજારો ચાહકો એકઠા થયા હતા. ૧૮ વર્ષીય વિશ્વનાથન આનંદ બાદ ગુકેશ આ પ્રતિષ્ઠિત ખિતાબ જીતનાર માત્ર બીજા ભારતીય બન્યો છે. ડી. ગુકેશનું સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ તમિલનાડુના અધિકારીઓ અને શહેરમાં ચેસના મુખ્ય કેન્દ્ર એવા પ્રખ્યાત વેલામલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ગુકેશે કહ્યું, ‘હું અહીં આવીને ખૂબ જ ખુશ છું. હું અહીં મારા માટે સમર્થન જોઈ શકું છું અને જોઈ શકું છું કે ભારત માટે આ ટાઇટલનો અર્થ શું છે. તમે લોકો અદ્ભુત છો. તમે જ છો જેણે મને ઘણી ઉર્જા આપી છે. ગુકેશ એરપોર્ટની બહાર નીકળ્યો ત્યારે તેને માળા પહેરાવી અને હજારો ચાહકોએ ઘેરી લીધા. ચાહકો નવા વર્લ્ડ ચેસ ચેમ્પિયનની એક ઝલક જોવા માટે ઉત્સુક હતા. યુવા ચેમ્પિયનને અભિનંદન આપવા માટે ઓલ ઈન્ડીયા ચેસ ફેડરેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ઉજવણીમાં, વિદ્યાર્થીઓએ યુવા ભારતીય ગ્રાન્ડમાસ્ટરના સન્માન માટે બેનરો હાથમાં રાખ્યા હતા.એસડીએટી અધિકારીઓએ ગુકેશને તેની ઐતિહાસિક સિદ્ધિ બદલ પ્રશંસાના પ્રતીક તરીકે શાલ અર્પણ કરી હતી. વિશ્વ ચેમ્પિયનને તેના નિવાસસ્થાને લઇ જવા માટે એરપોર્ટ પર ખાસ ડિઝાઇન કરાયેલી કાર તૈનાત કરવામાં આવી હતી, જેમાં ગુકેશના ફોટોગ્રાફ્સ અને ટેગલાઇન ‘૧૮ એટ ૧૮’ હતી. ખરેખર, ગુકેશ ચેસમાં ૧૮મો નિર્વિવાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. તેણે સિંગાપોરમાં ૧૪ મેચની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચમાં ચીનના ડીંગ લિરેનને હરાવ્યો હતો. ગુકેશે મહાન ગેરી કાસ્પારોવનો રેકોર્ડ તોડી સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો.