બોલિવુડ એક્ટર વરુણ ધવનના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. વરુણ ધવન કાકા બની ગયો છે. વરુણ ધવનનો મોટો ભાઈ રોહિત ધવન બીજી વખત પિતા બન્યો છે. વરુણ ધવનના ભાભી જોનવીએ દીકરાને જન્મ આપ્યો છે. રોહિત અને જોન્વીને પહેલું સંતાન દીકરી છે. રોહિત ધવનના દીકરાની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે, જેમાં તે પોતાની માતાના ખોળામાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જોન્વીના બેબી શાવરની પાર્ટી વરુણ ધવનની પત્ની નતાશાએ રાખી હતી, જેમાં બોલિવુડમાંથી ગણ્યાં-ગાંઠ્યા લોકોને બોલાવાયા હતા. આ પાર્ટીમાં અર્જૂન કપુર અને તેની બહેન અંશુલા પણ જોવા મળી હતી. હવે બેબી સાથે આખા ધવન પરિવારની ઝલક ઈન્ટરનેટ પર ઘણી ચર્ચામાં છે. આ તસવીરમાં રોહિત ધવન અને જોન્વીની સાથે ડેવિડ ધવન પણ જોવા મળી રહ્યા છે. જોન્વીના ખોળામાં તેનો દીકરો શાંતિથી સૂઈ રહેલો જોવા મળી રહ્યો છે. આ તસવીર પર સોશિયલ મીડિયા યૂઝર્સ ધવન ફેમિલી પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. રોહિત અને જોન્વીએ લગ્ન પહેલા લગભગ ૭ વર્ષ એકબીજોને ડેટ કરી હતી.તે પછી તેમણે વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા. બંનેને એક દીકરી નિયારા છે, જે તેના કાકા વરુણ ધવનની ઘણી લાડકી છે.