વરસાદને સમગ્ર દક્ષિણ ગુજરાતને ઝપેટામાં લીધું છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઓલપાડ, માંગરોળ, કીમમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઉમરપાડા, કોસંબા સહિતના વિસ્તારમાં પણ વરસાદ તૂટી પડ્યો છે. આ વરસાદ પાછો ભારે પવન સાથે પડ્યો છે. બરોબરનું ચોમાસું જામ્યો હોય તે પ્રકારનો વરસાદ પડ્યો છે.
વરસાદ દરમિયાન ભરૂચના પાદરિયા ગામના ત્રણ લોકોના મોત વીજળી પડવાથી થયા છે. તેઓ ગામના પાદરે રેંકડી પર ઊભા હતા. રેંકડી પર પાંચ લોકો ભા હતા અને વીજળી પડવાથી પાંચમાંથી ત્રણના મોત થયા હતા અને બે ગંભીર ઇજા પામ્યા છે.
વલસાડ અને વાપી સહિતના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે અને પહેલા છાંટાછાટા અને પછી ધીમી ધારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદ પડવાના લીધે હાઇવે પર વિઝિબિલિટી ઘટી ગઈ છે. તેના લીધે ધોળા દિવસે વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની પરજ પડી હતી. વરસાદના લીધે બફારામાં લોકોને રાહત થઈ છે. વરસતા વરસાદના લીધે ડાંગરનો પાક પકવતા ખેડૂતો ચિંતિત થયા છે. માંગરોળના ઝંખવાવ ગામે હાઇવે નંબર ૫૬ પર પાણી ભરાઈ ગયા છે. હાઇવે જ ક્યાંય દેખાતો નથી તેવી સ્થિતિ છે. રસ્તા પર પાણી ભરાતા બે બાઇક સવાર પાણીમાં તણાયા હતા. બંનેએ બૂમાબૂમ કરતાં હાજર લોકોએ બંનેને બચાવી લીધા હતા. બંનેને નાની મોટી ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સતત ચાર દિવસથી ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. સાપુતારા, વઘઈ અને આહવા ખાતે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડવાના લીધે પ્રવાસીઓ ગેલમાં આવી ગયા છે તો ખેડૂતોને તૈયાર પાકને નુકસાન થવાનો ડર છે