આઇપીએલ ૨૦૨૫ ની ૫૮મી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાવવાની હતી. વરસાદને કારણે આ મેચ રદ કરવી પડી હતી. બેંગલુરુમાં સાંજથી જ ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે આ મેચમાં ટોસ થઈ શક્યો નહીં અને અંતે તેને રદ કરવો પડ્યો. મેચ રદ થવાથી કોલકાતાને મોટો ફટકો પડ્યો છે, તેમની ટીમ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે આરસીબીને સત્તાવાર રીતે પ્લેઓફમાં પહોંચવા માટે થોડી રાહ જોવી પડશે.
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવને કારણે આઇપીએલ એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ટુર્નામેન્ટ ૧૭ મેથી ફરી શરૂ થવાની હતી, પરંતુ તેને ગ્રહણ લાગી ગયું. ટુર્નામેન્ટ ફરી શરૂ થયા પછીની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પાંચ ઓવરની મેચ માટે કટ-ઓફ સમય રાત્રે ૧૦:૫૬ વાગ્યાનો હતો. પરંતુ સાંજથી ભારે વરસાદને કારણે, મેચ રાત્રે ૧૦:૨૩ વાગ્યે રદ કરવામાં આવી હતી.
આ મેચ રદ થયા બાદ, હવે તેની આગામી મેચની રાહ જોવી પડશે. તેમની આગામી મેચ ૨૩ મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મેચ પણ આરબીઆઇના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ચાહકો ઈચ્છે છે કે તે મેચમાં વરસાદ ન પડે. કોલકાતાની વાત કરીએ તો, તેમની આગામી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પણ છે, આ મેચ ૨૫ મેના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ સિઝનમાં પ્લેઓફની દોડમાંથી બહાર થનારી ચોથી ટીમ બની ગઈ છે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.