સગર સમાજના આરાધ્ય દેવ શ્રી ભગીરથ દાદા અને શ્રી દાસારામબાપાના મંદિરના નિર્માણ માટે અમરેલીના વરસડા ગામે શ્રી સમસ્ત સગર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ-અમરેલીના ઉપક્રમે આગામી તા.૯ ના રોજ સવારે ૯ કલાકે ભૂમિપૂજનનું આયોજન કરાયું છે. આ તકે ભૂમિના દાતા ગોકળભાઈ ભેસાણીયા, ભગવાનજી મહંત, મહંત બાબુભગત સહિતના સંતો-મહંતો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ભૂમિપૂજનની પૂર્વ રાત્રીએ ૯ કલાકે નામી લોક સાહિત્યકાર દેવાયત ખવડ, હાસ્ય કલાકાર ચતુરભાઈ માંડાણી અને રસીલાબેન સગર લોકડાયરામાં જમાવટ કરશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટ વતી પ્રમુખ દલપતભાઈ ચાવડાએ આમંત્રણ પાઠવ્યું છે.