તાજેતરમાં વન્ય પ્રાણીઓ જાળવણી માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ દ્વારા થતું સુરજ કાચબાનું ગેરકાયદે લે-વેચાણ ઝડપાયા બાદ અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને વન વિભાગે ફરી એકવાર તપાસ હાથ ધરી હતી અને વન્યજીવ સુરજ કાચબો સહિત સુડા પોપટના વેપારમાં સંકળાયેલ લોકો ત્યાં વન વિભાગના દરોડા પાડ્યા હતા.
વન વિભાગને મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર રીતે સુરક્ષિત વન્યજીવ સુરજ કાચબો અને સુડા પોપટના વેપારમાં સંકળાયેલ લોકોની તપાસ અમદાવાદના વિવિધ વિસ્તારમાં કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના દિલ્લી ચકલા વિસ્તારમાં ૨ ટીમ બનાવી અલગ અલગ સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં ટીમ-૧ દ્વારા કીડી પાડાની પોળ, શાહપુર સ્થળ પર પહોંચી હતી, જ્યાં તપાસ કરતા ઘરમાંથી – ૩૪ નંગ મળ્યા હતા. જે વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ શિડ્યુલ-૧માં આવેલ છે. આ પ્રાણીઓ પાંજરામાં બંધક હાલતમાં મળી આવ્યા હતા.
આ ઉપરાંત ટીમ-૨ દ્વારા બાતમીના આધારે ગુંડી ચોક, શાહપુર સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા ઘરમાંથી સુડા પોપટ (રોઝ રીંગ પેરાકીટ) -૧૦૧ નંગ પાંજરામાં બંધક હાલતમાં મળી આવ્યા હતા. આ સુડા પોપટ પણ વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ શિડ્યુલ-૨માં આવેલ છે. આ વન્યપ્રાણી મળી આવતાં વન્ય સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલમાં આ કેસની આગળની તપાસ ચાલુ છે. રેડ દરમિયાન મળેલ પોપટ અને કાચબાને કબજે લઈ દસ્ક્રોઈ રેંજમાં આવેલ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર, બોડકદેવ ખાતે પહોંચાડવામાં આવ્યા છે. વન્ય પ્રાણીઓને અન્ય તકલીફ ન પડે તે દિશામાં વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરી છે. અમદાવાદના વન વિભાગ અને અમદાવાદના ગ્રામ્ય એસ ઓ જી દ્વારા સમગ્ર ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના આધારે સંયુક્ત રેડ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ વન વિભાગે આવું જ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી શહેરમાં સુરજ કાચબાની તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું હતું. જેમાં તસ્કરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સુરજ કાચબાનું ગેરકાયદે વેચાણ કરતા હતા અને બાદમાં ઓનલાઈન ડિલિવરી એપ ‘પોર્ટર’ના માધ્યમથી ગ્રાહકો પાસે તેની ડિલિવરી પહોંચાડતા હતા, ત્યારે આ પ્રકરણમાં ૧૦ સુરજ કાચબા સાથે ચાર નરાધમોને પકડાયા હતા.





































