ઓસ્ટ્રેલિયન ટીમને ૪ નવેમ્બરથી પાકિસ્તાન સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે અને આ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. પેટ કમિન્સને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. જ્યારે ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ પિતા બનવા જઈ રહ્યા છે. આ કારણોસર આ બંને ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક મળી છે.
આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જેક ફ્રેઝર-મેકગર્કને વનડે શ્રેણીમાં તક મળી છે. હવે તેની પાસે ઓપનર તરીકે સારું પ્રદર્શન કરવાની વધુ એક તક હશે. તે મેટ શોર્ટ સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. તેણે ફેબ્રુઆરી ૨૦૨૪માં ઓસ્ટ્રેલિયા માટે તેની વનડે ડેબ્યૂ કરી હતી અને તેણે અત્યાર સુધી માત્ર બે વનડે મેચ રમી છે અને ચાર ટી ૨૦ ઇન્ટરનેશનલ મેચ પણ રમી છે.
જેક ફ્રેઝર-મેકગર્કે આઈપીએલ ૨૦૨૪માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેની ગતિથી રન બનાવવાની ક્ષમતાથી દરેકને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. તેણે આઇપીએલ ૨૦૨૪ની ૯ મેચમાં ૩૩૦ રન બનાવ્યા હતા. યુવા ખેલાડી કૂપર કોનોલી અને સ્ટાર ઓલરાઉન્ડર એરોન હાર્ડીને પણ તક મળી છે. કૂપરે યુકે સામે વનડે અને ટી ૨૦માં ડેબ્યૂ કર્યું હતું. તે જ સમયે, ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર રહેલા માર્કસ સ્ટોઇનિસની વાપસી થઈ છે. સ્ટોઈનિસ અને હાર્ડી બંનેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે.
પેટ કમિન્સ માટે પણ આ એક મહત્વપૂર્ણ ક્ષણ હશે, જ્યારે તે વનડે વર્લ્ડ કપ ૨૦૨૩નો ખિતાબ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન વનડે ટીમનું નેતૃત્વ કરશે. ઓસ્ટ્રેલિયન ટીમની નજર પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. આ કારણે ટીમમાં સિનિયર ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, મિશેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ, જાશ ઈંગ્લીશ અને જાસ હેઝલવુડ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયન વનડે ટીમઃ
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, કૂપર કોનોલી, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, જાશ હેઝલવુડ, જાશ ઈંગ્લીસ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા.
ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન વનડે સિરીઝઃ
૧લી- ૪ નવેમ્બરઃ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ
બીજી- ૮ નવેમ્બરઃ એડિલેડ ઓવલ
ત્રીજી વનડે- ૧૦ નવેમ્બરઃ પર્થ સ્ટેડિયમ