સાઉથ આફ્રિકા પહેલા બીસીસીઆઇ રોહિત શર્માને મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે. વનડેમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવશે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન રોહિત શર્મા વનડેમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. તેની સત્તાવાર જાહેરાત ટીમની જાહેરાત સાથે કરવામાં આવી શકે છે. રિપોર્ટ મુજબ વનડેમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માને સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ડિસેમ્બર મહિનામાં જ સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે. ત્યા ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ અને વનડે સિરીઝ રમશે.

કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના જાખમો વચ્ચે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ અને તેટલી જ વન-ડે રમશે. તેના માટે હવે રિવાઇઝ્ડ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ટ્વિવટ કરીને આ અંગેની માહિતી આપી છે.

આ પ્રવાસની શરૂઆત ૨૬ ડિસેમ્બરે સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચથી થશે. તેના પછી ૩થી ૭ જાન્યુઆરી સુધી જ્હોનિસબર્ગમાં બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ ૧૧-૧૫ જાન્યુઆરી દરમિયાન કેપટાઉનમાં રમાશે.ત્યારબાદ ૧૯ જાન્યુઆરીએ પાર્લમાં મેચ સાથે વનડે સિરીઝની શરૂઆત થશે. ત્યારબાદ ૨૧ જાન્યુઆરીએ બીજી વન-ડે મેચ પાર્લમાં જ રમાશે અને ૨૩ જાન્યુઆરીએ છેલ્લી વન-ડે મેચ કેપટાઉનમાં રમાશે.

નોંધનીય છે કે ટીમ ઈન્ડીયા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૮ ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની હતી. જે બાદ પ્રવાસની શરૂઆત ૧૭ ડિસેમ્બરે જ્હોનિસબર્ગમાં ટેસ્ટ મેચ દ્વારા થવાની હતી. જૂના શેડ્યૂલ મુજબ ટીમ ઈન્ડીયા ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને ચાર ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમવાની હતી, પરંતુ હવે ટી-૨૦ સિરીઝ સ્થગિત કરી દેવામાં આવી છે