રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. વધુ એક સિંગર અને લોકસાહિત્યકારને સિવિલ હોસ્પિટલમાં કડવો અનુભવ થયો છે. લોકસાહિત્યકાર હકભા ગઢવી બાદ હવે લોકસાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિરે વીડિયો શેર કરીને સિવિલ તંત્રની ઘોર બેદરકારી અને ઉદાસીન કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. ઇમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો પણ મીરાબેને આક્ષેપ કર્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સામે વધુ એક કલાકારે ગંભીર આક્ષેપ કર્યા છે. અગાઉ લોકસાહિત્યકાર હકભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કડવો અનુભવ થયો હતો. ત્યારે હવે લોકસાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિરે વીડિયો બનાવી પોતાની સાથે થયેલ ગેરવર્તણૂક અને આપવીતી વર્ણવી છે. મીરાબેન આહિરે વીડિયો બનાવી રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, તેમના ભાઈને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે ૪૫ મિનિટ સિવિલ હોસ્પિટલમાં રહ્યા બાદ પણ કોઈએ કેસ લખ્યો નહોતો.હોસ્પિટલનાં ઇમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મીરાબેને કર્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ‘નથી દાખલ કરવો તારાથી જે થાય એ કરી લે!’ મીરાબેન આહિરે વીડિયોમાં સિવિલ હોસ્પિટલ તંત્ર પાસે તેમનાં દ્વારા કરવામાં આવેલ આરોપોનો જવાબ માગ્યો છે અને જવાબદાર ડોક્ટર અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.