ગુજરાતનો વધુ એક પરિવાર વિદેશમાં બંધક બન્યું છે. મહેસાણાના બદલપુરા ગામના દંપતી પોતાની ત્રણ વર્ષથી બાળકી સાથે લીબિયામાં બંધક બનાવાયા છે. અમદાવાદથી દુબઈ અને ત્યાંથી પોર્ટુગલ જવા માટે પરિવાર નીકળ્યો હતો. જા કે, કબૂતરબાજીમાં ફસાઈ જતા પોર્ટુગલના બદલે પરિવારને એજન્ટોએ લીબિયા મોકલી દીધા. જ્યાં કિસ્મતસિંહ ચાવડા તેમના પત્ની હીનાબેન અને પુત્રી દેવાંશીને બંધક બનાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. બંધકોના પરિજનો પાસેથી ખંડણીની માગ કરાઈ છે.મહેસાણાના બદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડા, તેમના પત્ની હીનાબેન ચાવડા અને ત્રણ વર્ષની પુત્રી દેવાંશી ચાવડા યુરોપના પોર્ટુગલ જવાના ઈરાદે અમદાવાદથી દુબઈ થઈને નીકળ્યા હતા. જા કે, આ કમનસીબ પરિવારે જે એજન્ટોનો વિશ્વાસ કર્યો, તેમણે તેમને છેતરીને પોર્ટુગલને બદલે લિબિયા મોકલી દીધા હતા.લિબિયા પહોંચ્યા બાદ આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવી દેવામાં આવ્યો છે. અપહરણકર્તાઓ દ્વારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોબાઈલ મેસેજ દ્વારા પરિવારજનો પાસે ૨ કરોડની માંગણી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, અપહરણકર્તાઓ દ્વારા ૫૪,૦૦૦ ડોલરની માંગ કરવામાં આવી છે. સાથે જ દુબઈના એજન્ટો દ્વારા પણ ૧ કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી છે. આમ કુલ મળીને ૨ કરોડ જેટલી મોટી રકમની ખંડણી માંગવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના વ્યક્તની સંડોવણી હોવાનો પણ પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે.વિદેશમાં મુસીબતમાં મુકાયેલા આ પરિવારના સગા-સંબંધીઓ દ્વારા તાત્કાલિક મદદ મેળવવા માટે મહેસાણા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરિવારજનોએ કલેક્ટર કચેરીને લેખિત રજૂઆત કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી છે અને સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે. પરિવારજનોએ વિદેશમાં ફસાયેલા કિસ્મતસિંહ ચાવડા, હીનાબેન ચાવડા અને બાળકી દેવાંશીને હેમખેમ પરત લાવવા સરકાર પાસે લેખિત રજૂઆત કરી છે.


































