ધંધાર્થે શહેરમાં વસેલાં ઓઘડે પોતાના માદરે વતન પરત આવતા જોયું કે, જ્યાં ગાયોના ગોબરની મીઠી સુગંધ આવતી હોય, સવાર – સાંજ મંદિરનો ઘંટ એક અદભૂત નાદ સાથે ગામલોકોમાં ઊર્જા પૂરતો હોય.
શેરીઓ નાના છોકરા – છોકરીઓના કલબલાટથી ગુંજતી હોય , સાંજના સમયે ગામની સ્ત્રીઓના ધોળ ભજનનો મીઠો સૂર વાતાવરણને અદભુત બનાવતો હોય.
પણ આ બધાનાં સ્થાને ગામમાં વિકાસની સાથે સાથે લોકોના વિચારો, રેહણી કરણી. આમ, દરેકમાં બદલાવ આવ્યો છે.
ઓઘડને ચુપચાપ ઊંડા વિચારમાં ખોંવાયેલો જોઈ પત્ની જીવી બોલી..”કેમ ઉદાસ છો ? આપણે ગામ આવ્યા તે દિવસથી તમે ઓછું બોલો છો. શહેરમાં હતાં ત્યારે તો વતન આવવાનો ઉત્સાહ તમારામાં છલકાતો મેં અનુભવ્યો તો હો મનીયાના બાપુ.”
ઓઘડે જીવી સામું જોતા મૌન ખોલ્યું..
“જીવી આપણાં ગામમાં બધું બદલાઈ ગયું છે. જોને ! ” ત્યાં જીવી હોંકારો ભણતા બોલી “હા ઇ વાત તમારી હાચી.ગામમાં વિકાસ ઘણો થ્યો. ” ઓઘડે કહ્યું…”જીવી વિકાસ તો ઠીક પણ ગામલોકો ઘણા બદલાયા છે. કોઈ એકબીજાની સાથે બે ઘડી બેસીને વાતો કરતાં હોય એવું મને દેખાયું નહીં.
બસ બધા બેઠાં તો હોય પણ…”
“પણ..શુ ?” જીવીએ ઓઘડની સામે અકળાઈને પૂછ્યું.ઓઘડે કહ્યું…”પણ બધા પોત પોતાના મોબાઈલમાં જ ખોવાયેલા જોવા મળે છે.” જીવીએ કહ્યું. “આપણે તી હુ કરી શકીએ બોલો.”?
ઓઘડે કહ્યું…”જીવી આપણે જ કરવાનું છે.આ ગામ આપણું છે. ગામ લોકો આપણા છે. જે આ વેકેશનનો અવસર મળ્યો છે. એમાં તું અને હું ભેગાં થઇને કઈક કરીએ. બોલ ? છે તું તૈયાર ? ”
જીવીએ ઓઘડને હા પાડતાં જ પૂછ્યું ..”કરવાનું છે.. હુ ?” ઓઘડે કહ્યું. “બસ જોયે રાખ હું કહું તેમ કરે રાખ.” જીવી કહે ” ભલે ત્યારે .”
વહેલા ઉઠેલા ઓઘડે મંદિર જવા પગ ઉપડ્યા પણ કંઈક યાદ આવતા જ પોતાના બાપુજીને, મનીયાને ઉઠાડી સાથે લીધો. મનીયો પરાણે પરાણે આળસ મરડી બેઠો થયો. અને હાથ-પગ ધોઈ બાપુ સાથે મંદિરે જવા ઉપાડ્યો.
મંદિરમાં ક્યારના પૂજારી આવી ગયા હતા. ઓઘડને પિતા સાથે દૂરથી આવતો જોઈ નવાઈ પામ્યા. ઓઘડે આરતીની તૈયારી કરવામાં મદદ કરી.
શંખનાદ સાથે આરતી શરુ થઈ. ગામ આખામાં આ શંખ નાદ સાથે આરતી સંભળાય રહી.
સૌને લાગ્યું કે, મંદિરે રોજ આરતી તો થાય છે. પણ..! ઈલેક્ટ્રીક નગારાથી આરતી થાય.
મંદિરમા એક પૂજારી હોય અને એકાદ રડ્યું ખડ્યું
છોકરું હોય. પૂજારી યંત્રવત આરતી ઊતારી ઘરભેગાં થાય.
આજે મંદિરમાં આરતી કાંઈક અલગ લાગે છે. આજે મંદિરમા કોઈ નવું આવ્યું લાગે છે.
આમ વિચારતાં વિચારતાં એક પછી એક સૌ ગામલોકો કુતૂહલપૂર્વક આવતા ગયાં.
જોયું તો..,ઓઘડ નગારાની દાંડી હાથમાં લઈને વગાડી રહ્યો છે.મનીયો અને દાદાજી ઝાલર લઈ સામસામે તાલ દઈ રહ્યાં છે અને પૂજારી પૂજા કરવામાં મગ્ન છે.
સૌને નવાઈ લાગી.પણ..! સારૂં લાગ્યું.
પ્રસાદ લઈ સૌ પોત પોતાના કામે વળગ્યા. ઓઘડ અને મનીયો ઘરે આવી ખૂબ મજા આવી મંદિરે, એ વાત કરતા થાકતા ન હતા. ઓઘડની છપ્પન ઈંચની ફુલી રહી હતી.જીવી ભાખરી વણતા મનમાને મનમાં ખૂબ મલકાઇ રહી.
બપોરે ખાઈ ઓઘડ વિચારે ચઢ્યો. જીવી જોઈ રહી. એમ કરતાં પાંચ વાગ્યાં. ઓઘડે ઉઠી મનીયાને સાદ પાડ્યો. મનીયો મોબાઈલ લઈ આવ્યો.
મોબાઈલ માંથી માથું ઊંચું કર્યા વગર જ મનીયાએ પૂછ્યું..”બોલો બાપુ” ઓઘડે જોયું. મનીયાનું ધ્યાન હજી મોબાઈલમાં જ છે. એટલે તેણે કહ્યું. “બેટા તું મોબાઈલમાં શુ કરે છે..?”
મનીયાએ મોબાઈલમાં એક રાઉન્ડ પૂરો કરતા કરતા કહ્યું..”હું…બાપુ છને ગેઈમ રમુ છુ.” અને અચાનક જ ઓઘડે મનીયાને કહ્યું.
” હાલ બહાર રમવા.” મનીયાએ મોબાઈલ માંથી નવાઈ પામતા માથું ઊંચું કરતા જોયું. મા પણ હાલો કરી બાપુની સાથે રમવા તૈયાર થઈ ગઈ.
મનીયાએ ફટાફટ મોબાઈલ ચાર્જમાં ફોન લગાવી મા – બાપુ સાથે બહાર આવ્યો. મા તો ડેલીના ઓટલા પર બેઠી. બાપુએ રમત શરુ કરી. ધીમે ધીમે કરતા
આજુબાજુમાં રહેતા નાના મોટા સૌ જોડાયા. ખૂબ મજા આવી. સાંજ પડતાં જ ઝાલર આરતી સમયે ઓઘડે બધાને મંદિરે આવવા કહ્યું.
ઝાલર આરતી સમયે આખું ગામ ઉત્સાહ પૂર્વક જોડાયુ. ગામલોકોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.બાળકોની જેમ.
આમ દિવસ પછી દિવસ ગામનો ઉત્સાહ વધતો ગયો.
એ પછી ગામ આખમાં જાણે ગજબનું પરિવર્તન આવ્યું. જૂની અને દેશી રમતોએ સૌના ઉત્સાહમાં વધારો કર્યો.લોકો એકબીજાની નજીક આવ્યા.
બાળકોમાં તો અનેરા અવસરો જોવા મળતાં હતા. મોબાઈલના વ્યસની માણસ પણ વ્યસન મુક્ત બની મુક્ત મને તંદુરસ્ત વર્તન કરતા થયા.
રજાઓ પુરી થતાં ઓઘડે ફરી શહેર જવા તૈયારી શરુ કરી. કોણ જાણે પણ શહેર જવા મન માનતું ન હતું. ઓઘડે બા-બાપુજીને કહ્યું…
“અહીંની શુદ્ધ હવા, ખોરાક, પાણી અને શુદ્ધ આચરણ. ઘોંઘાટીયા, પ્રદુષણ યુક્ત વાતાવરણ કરતાં. અહીં ખૂબ સારું છે. ધંધો તો અહીં પણ છે જ ને !”
હા પણ..! તમે અહીં ગામડામાં રહીને કરશો શું??
બાપુજીનો પ્રશ્ન વાજબી હતો.
તમારી સાથે ખેતી કરીશ. જમીન પાણી વાળી છે. કંઈક નવું કરીશું.” વાત સાંભળી રહેલી જીવીએ લાપસીનું આંધણ હરખાતા હરખાતા મૂક્યું.
ગામનાં લોકો તો રાજી થયાં જ.
‘આખરે ઓઘડે છપ્પન ઈંચની છાતી કરી દેખાડી ખરી.’
પણ..! મંદિરની અંદર બેઠેલા રામલલ્લા પણ આજ ખૂબ રાજી થયા. મૂળ વાર્તાઃ- પાયલ આઈ.જોષી, અમરેલી.
રીરાઈટ ઃ- કાળુભાઈ ભાડ, અમરેલી.