વડોદરામાં સાવલી એચપીસીએલ ચોકડી પાસે અકસ્માતમાં બેના મોત થયા છે. ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના મોત થયા છે. બે જણા ગંભીર રીતે દાઝ્યા છે. અગ્નિશામક દળે ડમ્પર પર લાગેલી આગ કાબૂમાં લીધી છે. સમાચારની જાણ થતાં પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત સાવલી મંજુસર જીઆઇડીસીમાં આવેલી એચપીસીએલ ચોકડી પાસે બન્યો હતો. ડમ્પર ઔદ્યોગિક કચરો ખાલી કરવા આવ્યું હતું. તેથી કચરો ખાલી કરતી વખતે ડમ્પર ઊંચુ કરવામાં આવતા ત્યાંથી પસાર થતી ૧૧ કેવીની વીજ લાઇનને અડી જતાં બે જણા બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા અને અન્ય બે જણા પણ ગંભીર રીતે દાઝ્યા હતા. જીઆઇડીસીના અગનીશામક દળે સળગતા ડમ્પરની આગ ઓલવી હતી. મંજુસર પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત દ્વારકામાં જામ ખંભાળિયામાં કારે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું હતું. લીલીયા ગામના પાટિયા પાસે કારે બાઇકને અડફેટે લીધું હતું. યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા હોÂસ્પટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે યુવાનને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. યુવાનનું અકાળે મોત થતાં સમગ્ર કુટુંબમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે ૨૮ વર્ષીય યુવાન હરદાસ ડેરે ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં હાઇવે પર એસટી બસને અકસ્માત સર્જાયો છે. બુઢણપરી નદીના પુલ પર રાત્રિના સમયે અકસ્માત થયો હતો. રીક્ષાને બચાવવા જતાં એસટી બસ પુલને અથડાઈ હતી. તેના લીધે બસ ડ્રાઇવરને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અમરેલીના લાઠીના પીએમના કાર્યક્રમમાં પેસેન્જરોને ઉતારીને એસટી બસ પરત ફરી રહી હતી ત્યારે તેનો અકસ્માત સર્જાયો હતો. ધ્રોલ ડેપોની એસટી બસે આ અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જાતા લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ બોલાવીને ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી. જા કે રાહતની વાત એ હતી કે આ ઘટનામાં જાનહાનિ થઈ ન હતી.
અમદાવાદ પંચવટી સર્કલ પાસે બાઇક ચાલકનો અકસ્માત થયો હતો. એએમટીએસની બસે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ૧૦૮ બોલાવી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી છે.