વિરોધના ડરથી વડોદરા મહાનગરપાલિકાએ રાતના અંધારામાં જ નડતરરૂપ બે મંદિરો તોડી પાડ્યા હતા. વડોદરાના હેવમોર સર્કલ અને મલ્હાર પોઇન્ટ પાસે પાલિકાએ રાતના અંધારામાં તોડી બે મંદિરના તોડવાની કામગીરી હાથ લીધી હતી. લોકોના વિરોધના ડરે પાલિકાએ રાત્રે ભાથીજી મહારાજ અને બળિયા બાબજીનું મંદિર તોડી પાડ્યું હતું. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બ્રિજની કામગીરીમાં મંદિર અવરોધરૂપ હોવાનું કારણ આપી મંદિરો તોડી પડાયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ શરૂ થયો છે.
ગુરુવારે અડધી રાત્રે ૧૨.૩૦ કલાકે વડોદરા પાલિકાની દબાણ શાખાની ટીમ મનીષા ચોકડી પહોંચી હતી. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ફ્લાયઓવર બ્રિજ નીચે આવેલી ૨ નાની દેરીઓને તોડી પાડી હતી. બંને નાની દેરીઓ બ્રિજના કામમાં નડતરરૂપ હતી. પરંતુ પાલિકાની ટીમે લોકોના વિરોધના ડરથી રાતનો સમય પસંદ કર્યો હતો, જેથી તેમની કામગીરીમાં કોઈ અવરોધ પેદા ન થાય. જાકે, સ્થાનિક લોકોને આ વિશેની જાણ થતા જ તેઓ રોષે ભરાયા હતા. તેમજ અનેક લોકોએ આ કામગીરીને વખોડી હતી.
આ વિશે વડોદરાના મેયરે પ્રતિભાવ આપતા કહ્યુ કે, વિકાસના કારણે દેરીઓને દૂર કરી છે, લોકોની આસ્થા જળવાઈ રહે તે બાબતનું અમે ધ્યાન રાખ્યુ છે. બંને મંદિરની મૂર્તિઓને સેન્ટ્રલ સ્ટોરના મંદિરમાં પુન સ્થાપિત કરાઈ છે. વિધિવત રીતે તેમની સ્થાપના પૂજા કરાઈ હતી. જેના બાદ બુલડોઝર ફેરવાયુ હતું.
વડોદરામાં મંદિર તોડવા મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો. જે જગ્યા પર મંદિર તોડ્યુ ત્યાં કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ કાર્યકરોએ રામધૂન બોલાવી, જય શ્રી રામના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ હનુમાન ચાલીસાનો પણ કોંગ્રેસ કાર્યકરોએ પાઠ કર્યા હતા. એટલુ જ નહિ, કોંગ્રેસે ફરીથી મંદિર તોડ્યું તે જ સ્થળે મંદિર બનાવવાની જાહેરાત કરી હતી.