વડોદરામાં ગત જાન્યુઆરી ૧૮ નાં રોજ હરણી તળાવમાં બોટિંગ દરમિયાન બાર બાળકો અને બે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામવાના કેસમાં કુલ પાંચ આરોપીઓ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી હતી.
આ આરોપીઓમાં તળાવનો કોન્ટ્રાક્ટ હતો તે કોટીયા પ્રોજેક્ટના પરેશ શાહ અને વત્સલ શાહ, બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવનાર ડોલ્ફીન કંપનીના નિલેશ જૈન અને શાંતિલાલ સોલંકી અને બોટમેન નયન ગોહિલનો સમાવેશ થાય છે.
આ કેસમાં તેમની ધરપકડ કરાઈ હતી અને ચાર્જ શીટ દાખલ થતાં તેઓએ જામીન માંગતા તેની સુનાવણી બાદ અરજી મંજૂર કરાઈ હતી. આ બાબતે વિગતવાર આદેશ હવે જારી થશે. અગાઉ આ કેસમાં ચાર મહિલા આરોપીઓને જામીન આપવામાં આવતા હતા. હજુ એક આરોપી જેલમાં છે.
વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો તા. ૧૮ જાન્યુઆરીના રોજ પ્રવાસે ગયા હતા ત્યારે શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી હતી. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ ૧થી ૬નાં બાળકોને મોટનાથ તળાવની મુલાકાતે લઈ ગયાં હતાં. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ લગાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા ૨૩ વિદ્યાર્થી અને ૪ શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ ૧૪ લોકોના મોત થયા હતા. જેમાં બે શિક્ષક અને ૧૨ બાળક હતા. હાઇકોર્ટ દ્વારા આ બાબતે સુઓ મોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
વડોદરાના તત્કાલીન મ્યુનિસીપલ કમિશનરો કે જેઓએ કોટિયાં પ્રોજેક્ટ નામની કંપનીને નિયમોથી ઉપરવટ જઈને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેમની સામે કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો. આ અરજી હજી સુનાવણી માટે પડતર છે.