વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ભંગારના વેપારીને કેસ દાખલ કરવાની ધમકી આપીને રૂ. ૧.૧૦ લાખ પડાવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘટનામાં વેપારીના મિત્ર અને તેના સાથીઓએ આ ગુનો કર્યો હતો. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
વડોદરાના એસકે ટ્રેડર્સના નામે ભંગારનો વ્યવસાય કરતા એક વેપારીને નિશાન બનાવવામાં આવ્યો હતો.આરોપીઓએ પોલીસ અધિકારી બનીને વેપારી પર માલ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને ધમકી આપી હતી.આરોપીઓએ પોતાને વાડી પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે રજૂ કર્યા હતા અને કેસ દાખલ કરવાની ધમકી આપીને વેપારી પાસેથી રૂ. ૧.૧૦ લાખ પડાવ્યા હતા. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વેપારીના મિત્રની સંડોવણી છે, જેણે તેના સાથીઓ સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું.
ઘટનાની માહિતી મળતાં જ વડોદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે આ કેસમાં નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ અને બાઇક સહિત ૨.૪૦ લાખ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ કરી રહી છે, જેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે.










































