વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા સરણેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમી પંખીડાએ કેનાલમાં કૂદીને સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોએ કેનાલના પાણીમાં મૃતદેહો તરતા જાતા તુરંત જ પોલીસને જાણ કરી હતી. હાલ ફાયર વિભાગે મૃતદેહોને બહાર કાઢી પી.એમ અર્થે ખસેડ્યા છે.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, યુવક અને યુવતીએ મરતા પહેલા એકબીજાને ઓઢણીવડે મજબૂત રીતે બાંધી દીધા હતા. એકબીજાનો સાથ ક્યારેય ન છૂટે તેવા ઈરાદા સાથે આ યુગલે કેનાલના ઉંડા પાણીમાં મોતની છલાંગ લગાવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ મૃતક યુવક અને યુવતીની ઉંમર અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની હોવાનું જણાઈ રહ્યું છે. પ્રાથમિક અનુમાન છે કે પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોઈ શકે છે.
જરોદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આ ઘટના જરોદ પોલીસ મથકની હદમાં બની હોવાથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે પંચનામું કરી બંનેના શબને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ યુગલ ક્યાનું વતની છે અને તેમના પરિવારજનો કોણ છે તે દિશામાં પોલીસે ઓળખ વિધિની તપાસ તેજ કરી છે. આ બે મૃતદેહો મળતાં આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ઘેરા શોકની લાગણી જાવા મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં કેનાલ કાંઠે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.