વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં આજે સાંજે બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા.આગની ઘટનામાં ૮ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી ૩ને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.દામાપુરા અને રઢીયાપુરા ગામના ૭૦૦ લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા છે.
ફાયરબ્રિગેડ દ્વારા દિપક નાઇટ્રેટમાં લાગેલી આગની ઘટનાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગ કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી સયાજી હોસ્પિટલની બહાર સ્ટ્રેચર પણ તૈયાર રાખવામાં આવ્યા હતી અને ડોક્ટરો સહિત ૨૫ લોકોની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી.
જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, કંપનીના આસપાસના ગામના ૭૦૦ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ફુડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે. કંપનીના ૫ વ્યક્તિઓને ગેસની અસર થઇ હતી તે સલામત છે તેવી પ્રાથમિક માહિતી છે અને આગના બનાવમાં જાનહાનિના કોઈ સમાચાર નથી.
વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ૯૦ ટકા જેટલી આગ કાબૂમાં આવી છે. વડોદરાના તમામ ફાયર સ્ટેશનોનો સ્ટાફને કામે લગાવવામાં આવ્યો હતો. તમામ ફાયર ઓફિસરો કામે લાગેલા હતાં ફાયર બ્રિગેડની ૮ ટેન્કર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યા હતો.આગ પર અંકુશ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.