સંસ્કારનગરી વડોદરામાં તા. ૨૭ અને ૨૮ જુલાઈ ૨૦૨૪ના રોજ ચતુર્થ મોતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહારાણી ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયમાં યોજાયેલા આ બે દિવસીય કાર્યક્રમે ગુજરાતના
સાંસ્કૃતિક અને કલાત્મક વારસાને ઉજાગર કર્યો હતો.મહોત્સવનું ઉદ્ઘાટન વડોદરાના મહારાણી રાધિકારાજેના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે સર્જક બહેનોને અભિનંદન પાઠવ્યા અને કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જસદણ સ્ટેટના રાણીસાહેબ અલોકીકારાજેએ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિલુપ્ત થતી મોતીકલાને પુનર્જીવિત કરવાનો અને કલાકારોને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમમાં તમામ સર્જક બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આયોજકોએ મોતીકલાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સરકારી સહાયની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.