વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામમાં ઘર આંગણે ખાટલામાં સૂઇ રહેલા શ્રમજીવી ઉપર ટ્રકના પૈડા ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા નજીક કોટાલી ગામની નવીનગરીમાં હિતેશ મેલાભાઈ રાઠોડીયા (ઉ. ૫૨) છૂટક મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. મોડી સાંજે તેઓ પોતાના ઘર પાસે ખાટલામાં સુઈ રહ્યા હતા. દરમિયાન નવીનગરીમાં આવેલી એક ટ્રકના ચાલકે આગળ પાછળ જાયા વગર ટ્રક હંકારતા ખાટલામાં નિંદ્રાધીન હિતેશભાઈ પર ચડી ગઈ હતી. જેમાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
આ બનાવ બનતા જ નગરીના લોકો દોડી આવ્યા હતા. જ્યારે આ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને લાશનો કબજા લઈ કાર્યવાહી હાથ ધરી હતી. તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.