વડોદરા શહેરમાં મકરપુરાની જીઆઇડીસીની કેન્ટોન લેબોરેટરીઝમાં આજે સવારે બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. જેમાં માતા-પુત્રની સહિત ૪ના મોત થયા છે. જ્યારે બાળકો સહિત ૧૪ જેટલા કામદારોઇજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને લઇ જવા એમ્બ્યુલન્સ સમયસર નહીં પહોંચતા કામદારો સહિત બાળકો જમીન પર પડી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. બોઇલર નીચે કામદારો દબાયેલા હોવાની આશંકાને પગલે ફાયર બ્રિગેડે મલબો હટાવવાની કામગીરી શરૂ કરી હતીકંપની પર પોલીસ કમિશનર શરશેરસિંઘ અને મેયર કેયુર રોકડિયા પહોંચ્યા હતા. પોલીસ કમિશનર શમશેર સિંઘે જણાવ્યું હતું કે, ઘટનાની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપાઈ છે. આ ઘટના ગંભીર છે અને પ્રાથમિક તબક્કે કંપની સંચાલકોની બેદરકારી સામે આવી છે. ઘટનામાં ૪ મોત નીપજ્યા છે અને ૧૦ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, ફેક્ટરી ઇન્સ્પેક્ટરે યોગ્ય નિરીક્ષણ કર્યું હોત તો ઘટના ન બની હોત. બાળકી અને તેની માતાનું મોત થયું એટલે ઘટના ખૂબ ગંભીર છે. કલેકટર, જી.પી.સી.બી અને પોલીસ તંત્રને તપાસની સૂચના આપવામાં આવી છે. કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્‌યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડીંગોના કાચ તૂટ્યા હતા અને કંપનીની બાજુમાં આવેલા ઘરની દીવાલો પણ તૂટી ગઇ હતી. પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને શ્રૌફ ફાઉન્ડેશન, યુનિટી અને નાયક હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ફાયર સ્ટેશનના અધિકારી નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા છે. ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતાં અને ટેમ્પરેચર પ્રોપર મેઇન્ટેઇન ન થતાં બોઇલર ફાટ્યા હોવાનું અનુમાન છે. કંપનીનું જી.ઈ.બીનું કલેક્શન કાપી નાખવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળા વિખેર્યા હતા. આ દુર્ઘટનામાં માતા-પુત્રની સહિત ૪ના મોત થયા છે. બ્લાસ્ટ  થયેલા બોઇલર નીચે અન્ય કામદારો દબાયેલાની શક્યતા હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા ક્રેન દ્વારા મલબો હટાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.મૃતકોના નામ જાઇએ તો રિયા ચૌહાણ(ઉ.૪) વર્ષા ચૌહાણ (ઉ.૩૦) રવિ જીતેન્દ્ર વસાવા(ઉ.૨૧), (રહે. નવીનગરી, બીલ ગામ, વડોદરા) સતીશ એમ જાષી(ઉ.૬૫), (રહે. ૪૩૩, વિજયનગર, તરસાલી) છે.